દિલ્હીના કાપસેરા વિસ્તારમાં 'ફન એન્ડ ફૂડ વિલેજ'માં દુર્ઘટના સર્જાઈ હતી. 24 વર્ષીય પ્રિયંકાનું રોલર કોસ્ટર રાઈડ પરથી પડી જવાથી મોત થયું છે. મળતી માહિતી અનુસાર પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને પછી પડી ગઈ હતી, જેના કારણે ગંભીર ઈજાઓ પણ થઈ હતી.
પ્રિયંકાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. દરમિયાન, દિલ્હી પોલીસે માહિતી આપી છે કે બીએનએસની કલમ 289/106 હેઠળ FIR નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
પ્રિયંકા મંગેતર સાથે વોટર પાર્કમાં ગઈ હતી
અહેવાલો અનુસાર, પ્રિયંકા મંગેતર સાથે વોટર પાર્કમાં ગઈ હતી. તેના લગ્ન ફેબ્રુઆરી 2026માં થવાના હતા. વોટર પાર્કમાં તેઓએ ઘણા પ્રકારના સ્વિંગ કર્યા અને પછી રોલર કોસ્ટરની સવારી કરી. જ્યારે રોલર કોસ્ટર ખૂબ જ ઊંચાઈએ પહોંચ્યું, ત્યારે પ્રિયંકા અચાનક સીધી નીચે પડી ગઈ. તેનું સંતુલન ખોરવાયું હોવાની શંકા છે.
પ્રિયંકા એક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર હતી. તેમના પરિવારમાં માતા-પિતા અને એક મોટો ભાઈ છે. યુવકે કહ્યું કે કે શનિવારે સાંજે જ્યારે તેઓ રોલર કોસ્ટરમાં બેઠા હતા ત્યારે પ્રિયંકા અચાનક પડી ગઈ હતી. તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને ઘણા ફ્રેક્ચર થયા હતા. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
અકસ્માત પછી રોલર કોસ્ટર બંધ થઈ ગયું
આ ઘટના બાદ વોટર પાર્ક મેનેજમેન્ટે રોલર કોસ્ટર બંધ કરી દીધું છે. સમગ્ર પાર્કને બંધ કરી દેવામાં આવ્યું છે. હવે પ્રિયંકાનો પરિવાર વોટર પાર્કમાં બેદરકારીનો ગંભીર આરોપ લગાવી રહ્યો છે. પ્રિયંકાના પરિવારનું કહેવું છે કે તે પડી ગયા પછી સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવી ન હતી. પરિવારનો દાવો છે કે અકસ્માત પછી તેમની ભૂલ છુપાવવા માટે રોલર કોસ્ટરનો વિસ્તાર પણ બંધ કરવામાં આવ્યો છે. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.





