Australia Mystery Spheres: ઓસ્ટ્રેલિયાના ઉત્તર ક્વીન્સલેન્ડના દરિયાકિનારે અચાનક દેખાયેલા છ વિશાળ ગોળાકાર પદાર્થોએ સ્થાનિકો સાથે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. શરૂઆતમાં આ રહસ્યમય ગોળાઓને લઈને અનેક અટકળો સામે આવી હતી. કેટલાક લોકો તેને એલિયન સંસ્કૃતિ સાથે જોડાયેલા સંકેતો ગણાવી રહ્યા હતા, તો કેટલાકે તેને અવકાશમાંથી પૃથ્વી પર પડેલા રોકેટના અવશેષ હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. આ ઘટનાએ એટલું ધ્યાન ખેંચ્યું કે પોલીસ, ફાયર વિભાગ અને અવકાશ ક્ષેત્રના નિષ્ણાતોની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો હતો અને લોકોને આ અજાણી વસ્તુઓથી દૂર રહેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. હવે પ્રાથમિક તપાસ બાદ આ રહસ્યમય ગોળાઓ અંગે મહત્વની માહિતી સામે આવી છે.
ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ શું કહ્યું?
ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી (ASA)એ જણાવ્યું છે કે ઉત્તર ક્વીન્સલેન્ડના ફોરેસ્ટ બીચ વિસ્તારમાં મળી આવેલી આ ગોળાકાર વસ્તુઓનો સંભવિત સ્ત્રોત ઓળખવામાં આવ્યો છે. એજન્સીના પ્રારંભિક વિશ્લેષણ મુજબ આ વસ્તુઓ અવકાશીય રોકેટમાં ઉપયોગમાં લેવાતા પ્રેશર વેસલ અથવા દબાણ ટાંકીના ભાગો જેવી દેખાઈ રહી છે. ગત સપ્તાહના અંતે ફોરેસ્ટ બીચ વિસ્તારમાં કુલ છ મજબૂત અને મોટા ગોળાકાર પદાર્થો જોવા મળ્યા હતા. શરૂઆતમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કદાચ આ અવકાશી કચરો હોઈ શકે, પરંતુ હવે નિષ્ણાતોનું માનવું છે કે તે કોઈ રોકેટના ઈંધણ અથવા દબાણ સંગ્રહ પ્રણાલી સાથે જોડાયેલા ઘટકો હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી હાલમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સંસ્થાઓ સાથે મળીને તપાસ કરી રહી છે કે આ અવશેષો કયા દેશના અથવા કયા મિશનના રોકેટમાંથી આવ્યા છે.
સુરક્ષા માટે વિસ્તારને ઘેરી દેવાયો
ક્વીન્સલેન્ડ ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, આ ગોળાઓની આસપાસ લગભગ 50 મીટરનો સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે અને હાલમાં પણ લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે.
અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે,જો કોઈને આવી શંકાસ્પદ અથવા અજાણી વસ્તુ દેખાય તો તેને સ્પર્શ ન કરવો અને તરત જ સ્થાનિક પ્રશાસનને જાણ કરવી જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે, અવકાશમાંથી પડેલા આવા પદાર્થોમાં ક્યારેક અત્યંત જ્વલનશીલ અથવા જોખમી રસાયણોના અવશેષો રહેલા હોઈ શકે છે, જેના કારણે તે માનવ આરોગ્ય માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.
સોશિયલ મીડિયા પર એલિયનથી લઈને સ્પેસક્રાફ્ટ સુધીની ચર્ચા
આ રહસ્યમય ગોળાઓના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ તેને એલિયન સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય લોકોએ દાવો કર્યો હતો કે આ કોઈ સ્પેસક્રાફ્ટના ફ્યુઅલ ટેન્ક હોઈ શકે છે. અવકાશીય નિષ્ણાતોનું માનવું છે કે, રોકેટમાં વપરાતા પ્રેશર વેસલ અથવા ફ્યુઅલ ટેન્કમાં ક્યારેક ઓછા પ્રમાણમાં પણ ખતરનાક રસાયણો બચી શકે છે, જેના કારણે આવી વસ્તુઓને સ્પર્શ કરવો જોખમી બની શકે છે.
ઓસ્ટ્રેલિયામાં આ પ્રથમ ઘટના નથી
આ પહેલી વખત નથી જ્યારે ઓસ્ટ્રેલિયાના દરિયાકિનારે આવી અજાણી અવકાશીય વસ્તુઓ મળી હોય. વર્ષ 2023માં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થ નજીકના દરિયાકિનારે એક વિશાળ ધાતુનો ગુંબજ મળ્યો હતો, જેને લઈને પણ ભારે ચર્ચા થઈ હતી. પછી ભારતે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે, તે ભારતીય અવકાશ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાયેલા પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)ના એક ભાગ તરીકે ઓળખાયો હતો.
તે પહેલાં વર્ષ 2011માં દક્ષિણ આફ્રિકાના નામીબિયાના એક દૂરના વિસ્તારમાં પણ આવો જ ગોળાકાર પદાર્થ મળી આવ્યો હતો. તે સમયે નિષ્ણાતોએ તેને બિનમાનવ સંચાલિત રોકેટના ફ્યુઅલ ટેન્ક તરીકે ગણાવ્યો હતો, જેમાં હાઇડ્રાઝીન નામનું અત્યંત અસ્થિર અને જોખમી રોકેટ ઈંધણ રહેલું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
રહસ્ય હજુ સંપૂર્ણપણે ઉકેલાયું નથી
જોકે ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ આ ગોળાઓને રોકેટના પ્રેશર વેસલ સાથે જોડ્યા છે, પરંતુ હજુ સુધી તેની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી. હવે સમગ્ર વિશ્વના અવકાશ ક્ષેત્રના નિષ્ણાતોની નજર આ તપાસ પર ટકેલી છે. આ ઘટના ફરી એકવાર અવકાશી કચરાના વધતા જોખમ તરફ ધ્યાન દોરે છે, કારણ કે અવકાશમાં સક્રિય મિશનોની સંખ્યા વધતા પૃથ્વી પર આવા અવશેષો પડવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.





