દૈનિક ઉપયોગમાં આવતી ટૂથપેસ્ટ જેવી સામાન્ય વસ્તુ પણ જો નકલી હોય તો તે આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. દિલ્હીમાં એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નકલી ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.
નકલી ટૂથપેસ્ટનો જથ્થો જપ્ત
દિલ્હીમાં પોલીસ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી દરમિયાન કાંઝાવલાના મહાવીર વિહાર વિસ્તારમાં ચાલતી નકલી ટૂથપેસ્ટ ફેક્ટરીનો ભાંડો ફોડ્યો છે. 2 એપ્રિલે કરવામાં આવેલા આ દરોડામાં લાખો રૂપિયાની નકલી ટૂથપેસ્ટ, ખાલી ટ્યુબ, ફિલિંગ મશીનો, સીલિંગ મશીનો, કાર્ટન અને પેકેજિંગ સામગ્રીનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે હરિ ઓમ મિશ્રા નામના આરોપીની ધરપકડ કરી છે, જે રોહિણી સેક્ટર-2નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સ્થળ પરથી જ ઝડપાયો હતો.
ભાડાના વેરહાઉસમાંથી ચાલતો ગેરકાયદે ઉત્પાદન
તપાસ દરમિયાન ખુલ્યું કે આ આખી ફેક્ટરી એક ભાડાના વેરહાઉસમાંથી ચલાવવામાં આવી રહી હતી. આરોપીએ કબૂલ્યું કે તે સ્થાનિક રીતે બનાવેલી કાચી પેસ્ટને ખાલી ટૂથપેસ્ટ ટ્યુબમાં ભરીને તેને જાણીતા બ્રાન્ડ જેવી પેકેજિંગ સાથે બજારમાં વેચતો હતો.
આ કામ માટે તે કોઈ પણ પ્રકારની માન્ય લાઇસન્સ કે અધિકૃત મંજૂરી વિના ઉત્પાદન અને વેચાણ કરી રહ્યો હતો. એટલે કે ગ્રાહકોને અસલી પ્રોડક્ટના નામે નકલી વસ્તુ વેચીને છેતરવામાં આવી રહ્યા હતા. પોલીસે આ કેસમાં BNS (ભારતીય ન્યાય સંહિતા) અને કૉપિરાઇટ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
આરોગ્ય માટે મોટું જોખમ: નકલી ટૂથપેસ્ટ કેટલી ખતરનાક?
ટૂથપેસ્ટ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરરોજ થાય છે અને તે સીધો આપણા મોઢા અને દાંતના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. આવા સમયે નકલી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે.
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, નકલી ટૂથપેસ્ટમાં ખતરનાક અને અપ્રમાણિત કેમિકલ્સ હોઈ શકે છે, જેનાથી નીચે મુજબના જોખમો ઊભા થઈ શકે છે:
દાંતના ઇનેમલને નુકસાન
મોઢામાં એલર્જી અથવા ઇન્ફેક્શન
ગમ્સ (દાઢ)માં સોજો અથવા રક્તસ્ત્રાવ
લાંબા ગાળે મોઢાના ગંભીર રોગો
આથી, આવા નકલી પ્રોડક્ટ્સ માત્ર છેતરપિંડી જ નહીં પરંતુ સીધો લોકોના આરોગ્ય પર હુમલો છે.





