Home Gujarat Delegation From Trivandrum Corporation Kerala Visits Vadodara

“વડોદરા એક ગ્રેટ અને બ્યુટીફૂલ સીટી..." : વડોદરાની મુલાકાતે કેરાલાના ત્રિવેન્દ્રપુરમ કોર્પોરેશનનું પ્રતિનિધિ મંડળ

“વડોદરા એક ગ્રેટ અને બ્યુટીફૂલ સીટી..."
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 01:04 PM IST

કેરાલાના તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રપુરમ) મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રતિનિધિ મંડળ તાજેતરમાં બે દિવસીય મુલાકાતે વડોદરા આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે વડોદરા શહેરના વિવિધ વિકાસ કાર્ય, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઐતિહાસિક ધરોહરનું નિરીક્ષણ કર્યું હતું.

વડોદરા મહાનગરપાલિકામાં મેયર તથા મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડોદરા શહેરમાં ચાલી રહેલા વિકાસ કામો, કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટથી અમલમાં આવેલા પ્રોજેક્ટ્સ તેમજ ભવિષ્યની અર્બન પ્લાનિંગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળે ખાસ કરીને રોડ ડેવલપમેન્ટ, સ્માર્ટ સિટી પહેલ, સ્વચ્છતા અભિયાન અને નાગરિક સુવિધાઓ અંગે રસ દાખવ્યો હતો.

વડોદરા શહેર તેની ઐતિહાસિક ઇમારતો અને સાંસ્કૃતિક વારસાને કારણે આગવી ઓળખ ધરાવે છે. લક્ષ્મી વિલાસ પેલેસ, મ્યુઝિયમ્સ, બગીચાઓ અને હેરિટેજ ઝોન જેવા સ્થળોની મુલાકાત દરમિયાન કેરાલાના પ્રતિનિધિઓ શહેરની સુવ્યવસ્થિત યોજના અને સંરક્ષણ કાર્યથી પ્રભાવિત થયા હતા.
તિરુવનંતપુરમના કાઉન્સિલર નંદ ભાર્ગવે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડોદરા એક ગ્રેટ અને બ્યુટીફૂલ સીટી છે. હું પહેલી વખત વડોદરા આવ્યો છું અને અહીંના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ જોઈને ખૂબ જ આનંદ થયો છે. શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક મેનેજમેન્ટ અને જાહેર સુવિધાઓનો ઉત્તમ સંકલન જોવા મળે છે.” તેમણે ઉમેર્યું હતું કે કેરાલામાં ભાજપની ગવર્નિંગ બોડી કાર્યરત છે અને વડોદરાનો વિકાસ મોડેલ તેમના માટે માર્ગદર્શક બની શકે છે.

આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિનિધિ મંડળને વડોદરાના ઇતિહાસ, શહેરી વિકાસની પ્રક્રિયા અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અર્બન ડેવલોપમેન્ટના વિવિધ પ્રોજેક્ટ્સ, ટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિક ભાગીદારી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ મુલાકાતથી બંને શહેરો વચ્ચે સહકાર અને અનુભવ વિનિમયની નવી તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now