Home Gujarat Deesa Illegal Construction Aap Memorandum

ડીસામાં ગેરકાયદેસર બાંધકામો સામે AAPનું કલેક્ટરને આવેદન : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

ડીસામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કલેક્ટરને આવેદન આપતા AAPના આગેવાનો
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 14, 2026, 12:16 PM IST

બનાસકાંઠા (ડીસા): ડીસા શહેરમાં નગરપાલિકાની મંજૂરી વિના થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામો સામે આમ આદમી પાર્ટી (AAP) અને જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનમાં શહેરમાં વધતા અનધિકૃત બાંધકામોને કારણે ટ્રાફિક, પ્રદૂષણ અને નાગરિક સુવિધાઓ પર ગંભીર અસર પડી રહી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે.

પ્લાન કરતાં વધુ બાંધકામ કરી વેચાણના આક્ષેપ

આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક ડેવલપર્સ દ્વારા મંજૂર થયેલા નકશા કરતાં વધુ બાંધકામ કરવામાં આવે છે અને ત્યારબાદ તે મિલકતો સામાન્ય નાગરિકોને વેચી દેવામાં આવે છે. જેના કારણે શહેરમાં બિનઆયોજિત વિકાસ થઈ રહ્યો છે અને શહેરી માળખાગત સુવિધાઓ પર વધારાનો ભાર પડી રહ્યો છે.

સાંકડા રસ્તાઓથી 108 અને ફાયર બ્રિગેડને પણ મુશ્કેલી

રજુઆતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગેરકાયદેસર બાંધકામોના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ સાંકડા થઈ ગયા છે. પરિણામે 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની ઈમરજન્સી સેવાઓને સમયસર સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિ કોઈ મોટી દુર્ઘટના સમયે ગંભીર પરિણામો સર્જી શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સીલિંગના આદેશો છતાં અમલ નહીં થતાં ઉઠ્યા સવાલ

આવેદનમાં જણાવાયું છે કે જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ કેટલાક ગેરકાયદેસર બાંધકામો સામે સીલિંગ સહિતની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ તેનો અસરકારક અમલ થયો નથી. જેના કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. રજૂઆતમાં રાજકીય વગ ધરાવતા તત્વોના કારણે કાર્યવાહી અટકી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

આમ આદમી પાર્ટીના આગેવાનો અને જાગૃત નાગરિકોએ ચેતવણી આપી છે કે જો ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર દ્વારા સમયસર અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. શહેરના સુનિયોજિત વિકાસ અને નાગરિકોની સુરક્ષાના હિતમાં નિયમોનું કડક પાલન કરાવવા તેઓએ માંગણી કરી છે.

આ પણ વાંચો: સુરત: કેસ લડી રહેલા વકીલે જ પીડિત કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ : વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી, POCSO હેઠળ આરોપી વકીલની ધરપકડ

શહેરી આયોજનના અમલ પર ભાર

આ સમગ્ર મુદ્દાએ ડીસામાં શહેરી આયોજન અને બાંધકામ નિયમોના અમલ અંગે ફરી ચર્ચા જગાવી છે. નાગરિકોનું કહેવું છે કે ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળવા માટે ગેરકાયદેસર બાંધકામો સામે નિયમિત સર્વે, પારદર્શક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓની જવાબદારી પણ નિશ્ચિત કરવી જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now