બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે શનિવાર, તા. 13 ડિસેમ્બર 2025ના રોજ વન વિભાગ અને પોલીસ તંત્રની કાર્યવાહી બાદ ભારે તણાવ સર્જાયો હતો. વર્ષોથી વસવાટ કરતા સ્થાનિક આદિવાસી પરિવારોના મકાનો JCB મશીનો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે ખેતી કરીને ગુજરાન ચલાવતા લોકોના ખેતરોમાં નુકસાન કરવામાં આવ્યું હતું તેમજ પીવાના પાણી અને ખેતી માટે ઉપયોગમાં લેવાતા કુવામાં માટી ભરવામાં આવી હતી.
આ કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. ગામના વડીલો, આગેવાનો, બહેન-દીકરીઓ અને વૃદ્ધોએ શાંતિપૂર્ણ રીતે પોલીસ અને વન વિભાગ સમક્ષ પોતાના બંધારણીય અધિકારો અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આદિવાસી હક્કો, અનુસૂચિત વિસ્તારના અધિકાર, વન અધિકાર અધિનિયમ, સનદ અને જમીન હક્કોની માંગણી કરી હતી.
પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે શાંતિપૂર્ણ ચર્ચા દરમિયાન પોલીસ અને વન વિભાગ ઉશ્કેરાયા હતા અને સવાલ કરનારાઓને બળજબરીપૂર્વક ધરપકડ કરવાની તથા જેલમાં પૂરી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે જપાજપી થઈ હતી, જેના પગલે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયરગેસ છોડવામાં આવ્યો.
લાઠીચાર્જ અને ટીયરગેસ બાદ ગ્રામજનો પોતાનો જીવ બચાવવા સ્થળ છોડીને ભાગ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની અને બંને તરફથી પથ્થરમારો થયો હોવાની માહિતી સામે આવી છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં શરૂઆતમાં સ્થાનિક લોકો શાંતિપૂર્વક ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારના લોકોમાં ભય અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. હાલ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






