અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પહેલા જ ફરી એકવાર કુદરતનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, માર્ચના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) અને પાકિસ્તાન પર સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં આ મોટો પલટો આવવા જઈ રહ્યો છે. આ પલટાને કારણે માત્ર માર્ચ જ નહીં, પરંતુ એપ્રિલ મહિનામાં પણ આંધી-તોફાન સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
હાલમાં ઉત્તર ભારત પર એક પછી એક બે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે. જેની અસર હેઠળ હિમાલયના પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને મેદાની રાજ્યોમાં વરસાદી માહોલ જામશે. ગુજરાતમાં પણ તેની અસર વર્તાશે, જેના કારણે આગામી 26 થી 30 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ માવઠું પવન અને ગાજવીજ સાથે આવશે, જેને ટેકનિકલ ભાષામાં 'થંડરસ્ટોર્મ એક્ટિવિટી' કહેવામાં આવે છે.
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: એપ્રિલમાં ફૂંકાશે ૫૦ કિમીની ઝડપે પવન
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, માત્ર માર્ચ મહિનો જ નહીં પરંતુ એપ્રિલ મહિનો પણ તોફાની રહેશે. 4 થી 10 એપ્રિલ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા પવનની ગતિ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. એપ્રિલના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને બાકીના ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે માવઠું થવાની શક્યતા છે. ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન પોતાના પાકની જાળવણી માટે અત્યારથી જ સાવચેતીના પગલાં લેવા હિતાવહ છે.
મે-જૂનમાં ચક્રવાતનો ખતરો? સમુદ્રમાં હલચલ વધશે
અંબાલાલ પટેલે વધુમાં ચોંકાવનારી આગાહી કરતા જણાવ્યું છે કે, 20એપ્રિલથી જૂનની શરૂઆત સુધી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સક્રિય થશે. ખાસ કરીને ૨૦ મે થી ૨૦ જૂન દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું (Cyclone) સર્જાવવાની પૂરેપૂરી શક્યતા છે. આ આગાહી મુજબ આગામી ત્રણ મહિના ગુજરાતના વાતાવરણમાં સતત ઉથલપાથલ જોવા મળી શકે છે.
દેશના અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ
ભારતમાં 26 થી 30 માર્ચ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેના કારણે વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-NCR માં27માર્ચની આસપાસ હળવા વરસાદની આગાહી છે, જેનાથી વધતી ગરમીમાં લોકોને રાહત મળી શકે છે. બીજી તરફ, ઉત્તર ભારતના પહાડી રાજ્યો જેવા કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 26 થી 30 માર્ચ સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે.
પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પણ કુદરતનો મિજાજ બદલાશે, જ્યાં આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત, મધ્ય અને દક્ષિણ ભારતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે; 26 થી 28 માર્ચ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, જેની અસર ખેતી અને તાપમાન બંને પર જોવા મળી શકે છે.





