Home Gujarat Ahmedabad Ahmedabad Wadaj Road Accident Hit And Run Truck Case

અમદાવાદમાં ફરી જોવા મળ્યો 'કાળમુખો ટ્રક' : વાડજમાં ડમ્પરની ટક્કરે એક પરિવારનો આધાર છીનવ્યો

અમદાવાદમાં ફરી જોવા મળ્યો 'કાળમુખો ટ્રક'
Published by: Chintan Chavda
Last Updated: Mar 25, 2026, 06:55 AM IST

અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. વાડજ સર્કલ પાસે વહેલી સવારે બનેલી વધુ એક દુર્ઘટનામાં ડમ્પર ચાલકે એક નિર્દોષ રાહદારીનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, વાડજ વિસ્તારમાં હનુમાનપુરા ચાલીમાં રહેતા ધીરજભાઈ વહેલી સવારે ચા પીવા માટે બહાર ગયા હતા. ચા પીને તેઓ ચાલતા-ચાલતા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. અથડામણ એટલી ભયાનક હતી કે ધીરજભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડમ્પર ચાલક અકસ્માત સર્જ્યા પછી વાહન લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સ્થાનિકોમાંથી કેટલાક લોકોએ ટુ-વ્હીલર લઈને તેનો પીછો પણ કર્યો, પરંતુ ડમ્પર ચાલક ઝડપથી ભાગી છૂટ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ડમ્પરનો નંબર નોંધાઈ ગયો છે અને તેના આધારે ચાલક સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એચ. ચૌધરીએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

આ બનાવને કારણે વિસ્તારમાં ભય અને રોષનું વાતાવરણ ફેલાયું છે. શહેરમાં વધતા હિટ એન્ડ રનના બનાવોને પગલે લોકોમાં સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now