Home Gujarat Dang Vikas Sankalp Sabha Harsh Sanghavi Gujarat

ડાંગથી હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર પ્રહાર : આદિવાસી વિકાસ અને 150 કરોડના રોડ પ્રોજેક્ટનો દાવો

dycm હર્ષ સંઘવી
Published by: Chintan Chavda
Last Updated: Apr 18, 2026, 09:22 AM IST

ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા ખાતે 'જનસમર્થન ભાજપને, જનસમર્થન વિકાસને' ના નારા સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી પરંપરા મુજબ સાફા અને પ્રતીક સમાન તીર-કામઠા અર્પણ કરી નાયબ મુખ્યમંત્રીનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સામાજિક અગ્રણીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ પ્રશ્નો પર સંવાદ કર્યો હતો.

‘ડાંગ એ વીરોની ભૂમિ’ : હર્ષ સંઘવી

સભાને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "ડાંગ એ વીરોની ભૂમિ છે જ્યાંના રાજાઓ અને પ્રજા ક્યારેય અંગ્રેજો સામે ઝૂક્યા નથી. આ દેશની આઝાદીમાં આદિવાસી સમાજનો અમૂલ્ય ફાળો રહ્યો છે, પરંતુ કોંગ્રેસે જાણી જોઈને ઈતિહાસના પુસ્તકોમાં આ પરાક્રમોને ભૂલાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. આજે આદિવાસી ભાઈઓએ એ જ કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ડાંગનો આદિવાસી સમાજ હંમેશા ધર્માંતરણ જેવી બદીઓ સામે લડતો રહ્યો છે."

પાણી, ખેતી અને જમીન હક: સરકારની સિદ્ધિઓ

સરકારની સિદ્ધિઓ વર્ણવતા તેમણે કહ્યું કે, "કોંગ્રેસના શાસનમાં માતા-બહેનોને 2 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડતું હતું, પરંતુ આદરણીય મોદી સાહેબની 'નલ સે જલ' યોજનાએ ઘરે-ઘરે પાણી પહોંચાડ્યું છે. ડાંગ આજે પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે તે ગૌરવની વાત છે. ભાજપ સરકારે જ 10 હજાર આદિવાસી ખેડૂતોને તેમની જંગલ જમીનનો હક પાછો અપાવ્યો છે."

આ પણ વાંચો: સુરતમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને : 'જય શ્રી રામ'ના નારાથી સોસાયટી ગુંજી, પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરોનો ભારે હંગામો

ખેડૂતો માટે સહાય અને મહિલાઓ માટે રોજગાર

DyCM એ માહિતી આપી હતી કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ડાંગના ખેડૂતોના ખાતામાં સીધા ₹31 કરોડની સહાય જમા કરી છે. 'લખપતિ દીદી' યોજના થકી બહેનોને રોજગારી મળી રહી છે અને આ અભિયાનને હજુ વધુ વેગ આપવામાં આવશે.

ડાંગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 150 કરોડના રસ્તા પ્રોજેક્ટ

ડાંગની કનેક્ટિવિટી વધારવા માટે તેમણે કહ્યું કે, આગામી એક વર્ષમાં ડાંગ જિલ્લાને 126 નવા મોટા રસ્તાઓ મળવાના છે, જે અંદાજે ₹150 કરોડના ખર્ચે તૈયાર થશે. 24 કલાક વીજળી અને શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી એ ભાજપ સરકારની પ્રાથમિકતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now