Home Gujarat Vadodara Dakor Poor Idol Seller Income Tax Notice 19 84 Crore Case

"અંધેરી નગરી ગંડુ રાજા" જેવી તંત્રની સ્થિતિ! : ડાકોરમાં મૂર્તિ વેચતા ગરીબ ફેરિયાને ઈન્કમટેક્સની ₹19.84 કરોડની નોટિસ!

ઈન્કમટેક્સ નોટિસ
Published by: Viral Patel
Last Updated: Apr 04, 2026, 05:36 AM IST

Vadodara News: યાત્રાધામ ડાકોરમાંથી તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને માંડ ગુજરાન ચલાવતા એક સામાન્ય શ્રમિક પરિવાર પર ઈન્કમટેક્સ વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારીને આભ તોડી પાડ્યું છે. પેટલાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બે વર્ષના મળીને કુલ ₹19,84,00,000 (ઓગણીસ કરોડ ચોર્યાસી લાખ)ની લેણી રકમની નોટિસ અપાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

કવર પરની ટિકિટો શ્રમિકની માસિક કમાણી જેવડી!

ડાકોરના ડુંગળા ભાગોળ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા ચિરાગ જગદીશ ભૈયા ગોમતી ઘાટ પર છૂટક મૂર્તિઓ વેચે છે. તેમને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મળેલી નોટિસ જોઈને ભલભલાની આંખો ફાટી ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે કવરમાં નોટિસ મોકલવામાં આવી હતી, તેના પર જ ₹5,500ની ટિકિટો લગાડવામાં આવી હતી. આ રકમ કદાચ આ ગરીબ શ્રમિકની આખા મહિનાની મહેનતની કમાણી કરતા પણ વધારે હોઈ શકે છે.

આ પણ વાંચો: ચૂંટણીઓ પહેલા રાજકીય ભૂકંપ : ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા 3 પૂર્વ કોર્પોરેટરો સામે 1.12 કરોડના કૌભાંડનો આક્ષેપ, વિજિલન્સ તપાસના આદેશ

કરોડોના આંકડા સાંભળી શ્રમિક ફસડાઈ પડ્યો

ચિરાગભાઈ પોતે અભણ હોવાથી શરૂઆતમાં તેઓ આ નોટિસનો મર્મ સમજી શક્યા નહોતા. પરંતુ જ્યારે જાણકાર લોકોએ નોટિસ વાંચીને કરોડોના આંકડા સંભળાવ્યા ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. નોટિસની વિગત મુજબ નાણાકીય વર્ષ 2021-22 માટે: ₹11.86 કરોડ, નાણાકીય વર્ષ 2022-23 માટે: ₹7.98 કરોડ. આમ, કુલ મળીને અંદાજે ₹20 કરોડ જેવી માતબર રકમની ઉઘરાણી કાઢવામાં આવી છે. દિવસના માંડ ₹200-500 કમાતા ફેરીયા પાસે આટલા મોટા વ્યવહારો કેવી રીતે આવ્યા તે એક યક્ષ પ્રશ્ન છે.

આ પણ વાંચો: વડોદરામાં મોટી દુર્ઘટના ટળી! : નેશનલ હાઈ-વે પર કેમિકલ ટેન્કરમાં ભીષણ આગ: બ્રિજ પર અડધો કિલોમીટર સુધી જ્વાળાઓ ફેલાઈ, ભયાનક દ્રશ્યો

બેદરકારી કે ડેટામાં છેતરપિંડી?

આ ઘટનાએ ઈન્કમટેક્સ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. શું કોઈએ ચિરાગભાઈના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા છે? અથવા વિભાગે કોઈપણ પ્રાથમિક તપાસ વગર સીધી નોટિસ ફટકારી દીધી છે? જે વ્યક્તિ પાસે પોતાની માલિકીનું મકાન પણ નથી અને ભાડે રહીને પેટ ભરે છે, તેને આટલી મોટી રકમની નોટિસ આપવી એ તંત્રનો 'અંધેર વહીવટ' હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.

હાલમાં ચિરાગભાઈ ગંભીર માનસિક તણાવમાં છે અને ન્યાય માટે આજીજી કરી રહ્યા છે. શ્રમિકના નામે થયેલા આ શંકાસ્પદ વ્યવહારોની ઊંડી તપાસ થવી જરૂરી છે જેથી સાચા ગુનેગાર સુધી પહોંચી શકાય અને આ નિર્દોષ ફેરિયાને માનસિક ત્રાસમાંથી મુક્તિ મળે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now