Home Gujarat Cyclone In Kutchs Rann Six Months Of Hard Work Of Farmers Government Sought For Help As Huts And Solar Panels Blown Away

કચ્છના રણમાં વાવાઝોડાએ અગરિયાઓની છ મહિનાની મહેનત ધોઈ નાખી : ઝૂંપડા અને સોલર પેનલો ઉડી જતા સરકાર પાસે સહાયની માંગ

કચ્છના રણમાં વાવાઝોડાએ અગરિયાઓની છ મહિનાની મહેનત ધોઈ નાખી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 07:42 AM IST

Mini Cyclone: કચ્છના નાના રણમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. અચાનક ત્રાટકેલા મિની વાવાઝોડાએ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા, પાટડી અને કુડા સહિતના રણ વિસ્તારોમાં મીઠું પકવતા હજારો અગરિયાઓની છ મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે રણમાં મીઠાના પાટાઓમાં પાણી ભરાઈ જતાં અંદાજે 80 ટકા જેટલું મીઠું ધોવાઈ ગયું છે, જેનાથી અગરિયાઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ આફત માત્ર મીઠાના પાક સુધી સીમિત નથી રહી, પરંતુ અગરિયાઓના જીવનનિર્વાહના સાધનો પર પણ કાળ બનીને ત્રાટકી છે. રણમાં લાઈટ અને પંપ ચલાવવા માટે રાખવામાં આવેલી મોંઘીદાટ સોલર પેનલો વાવાઝોડામાં ઉડીને દૂર ફેંકાઈ ગઈ છે અને ભારે નુકસાન પામી છે. રહેવા માટે બનાવેલા કાચા ઝૂંપડાઓ પણ પવનમાં ફંગોળાઈ જતાં અગરિયાઓ અત્યારે ખુલ્લા આકાશ નીચે લાચાર બની ગયા છે. ધોમધખતા તાપ અને ઠંડી વેઠીને રાત-દિવસ કાળી મજૂરી કરનારા આ શ્રમિકો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે.

કચ્છના રણમાં મિની વાવાઝોડાનો તાંડવ: અગરિયાઓ થયા બેહાલ

સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટાની સૌથી માઠી અસર કચ્છના નાના રણમાં જોવા મળી છે. ખારાઘોડા અને ઝીંઝુવાડા નજીક મીઠું પકવતા અગરિયાઓ જ્યારે પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક આવેલા વાવાઝોડાએ પાયમાલી સર્જી હતી. પૂરઝડપે ફૂંકાયેલા પવનને કારણે રણના કામચલાઉ આવાસ (ઝૂંપડા) પત્તાની માફક ઉડી ગયા હતા. અગરિયા આગેવાન ચંકુજી ઠાકોરના જણાવ્યા અનુસાર, ગત રાત્રિએ આવેલા ભયાનક વાવાઝોડામાં અગરિયાઓની ઘરવખરી અને સોલર પ્લાન્ટ્સ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે.

આ અંગે પોતાની વ્યથા કહેતા ચંકુજી ઠાકોરે (અગરિયા અગ્રણી) જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રે એક ભયાનક વાવાઝોડું ઓચિંતું આવ્યું. અગરિયાઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું. અગરિયાઓની પોતાની સોલર પેનલો, ઘરના ઝૂંપડા, રહેણી-કરણી, ઘરવખરી બધું જ તબાહ થઈ ગયું છે. અમારી સરકારને અરજ છે કે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપે એવી અમારી માંગ છે." વધુમાં સંદીપ ઝીંઝરિયાએ (અગરિયા) જણાવ્યું હતું કે, કચ્છના નાના રણમાં કાલે એક આફત આવી હતી ૩ વાગ્યે. વાવાઝોડું આવ્યું હતું. ઘણા બધા અગરિયાઓને ભારેથી અતિભારે નુકસાન થયું છે. હજી સુધી કોઈ રાજકારણીઓ, સરપંચો, ધારાસભ્યો (MLA) કે સાંસદ હજી કોઈ સુધી રણની મુલાકાતે આવ્યા નથી. અમારી ખાલી એટલી માંગણી છે કે, સરકારને ખાલી તમે અમારી મુલાકાત તો લો!"

દેશના 35 ટકા મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓ પર આર્થિક સંકટ

ઉલ્લેખનીય છે કે, દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાત 70 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી એકલું સુરેન્દ્રનગર જિલ્લો 35 ટકા મીઠું પકવે છે. અગરિયાઓ સળંગ છ મહિના સુધી રણમાં રહીને મીઠું પકવતા હોય છે. પરંતુ આ મિની વાવાઝોડાએ તેમની આખી સીઝન નિષ્ફળ બનાવી દીધી છે. મીઠું ધોવાઈ જવાની સાથે સોલર પેનલોમાં થયેલું નુકસાન અગરિયાઓ માટે "ઉપરથી પડ્યા પર પાટું" જેવી સ્થિતિ સમાન છે. સંદીપ ઝીંઝરીયા નામના અગરિયાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, હજુ સુધી કોઈ રાજકીય નેતા કે સરકારી અધિકારી તેમની મુલાકાતે આવ્યા નથી.

સરકાર પાસે સહાયની ગુહાર: સર્વે કરી વળતર આપવાની માંગ

હાલમાં રણમાં ઠેર-ઠેર કમોસમી વરસાદના પાણી ભરાયેલા છે અને અગરિયાઓની હાલત કફોડી બની છે. લાખો રૂપિયાનું નુકસાન થતા અગરિયાઓ હવે રાતા પાણીએ રોઈ રહ્યા છે. અગરિયા સમુદાયે સરકાર પાસે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક રણમાં સર્વે કરવામાં આવે અને જે અગરિયાઓને સોલર પેનલ, મીઠું અને ઝૂંપડાનું નુકસાન થયું છે તેમને વળતર ચૂકવવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે સરકારી તંત્ર ક્યારે જાગે છે અને રણના આ શ્રમિકોની વહારે આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now