Cyber Crime News : આજકાલ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ પર 'ઘરે બેઠા કમાવો', 'કંપનીમાં ઓનલાઈન કામ' જેવી લાલચભરી લિંક્સ ઝડપથી ફેલાઈ રહી છે. આવા મેસેજ પર વિશ્વાસ કરવાથી માણસ ક્ષણોમાં સાયબર ફ્રોડનો ભોગ બની શકે છે. આવો જ એક ગંભીર કેસ મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ મથક વિસ્તારમાં સામે આવ્યો છે.
ટેલિગ્રામ એપમાં લિંક મોકલતા અને...
એક મહિલાને ટેલિગ્રામ એપમાં લિંક મોકલી ગોદરેજ કંપનીમાં ઘરે બેઠા કામ કરી પૈસા કમાવાની ઓફર આપવામાં આવી. શરૂઆતમાં તેને નાના-નાના ટાસ્ક કરાવી થોડીક રકમ રિવોર્ડ રૂપે આપવામાં આવી, જેથી મહિલા વિશ્વાસમાં આવી ગઈ. બાદમાં વધુ કમાણી બતાવવાની લાલચ આપી મહિલાથી 15 લાખ રૂપિયા જુદાજુદા બેંક એકાઉન્ટમાં નખાવવામાં આવ્યા. પોલીસે તપાસ શરૂ કરતાં ખુલ્યું કે આ ફ્રોડ પાછળનું ગેંગ ખૂબ સુયોજિત હતું. મહીસાગર પોલીસે ત્રણ આરોપીઓને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે
ત્રણ આરોપી ઝડપાયા
મોહમ્મદ ઉર્ફે મોનુ પરવેઝ આયુબભાઈ નૂર મહોમ્મદ શેખ
શાહનવાઝ હુસૈન અબ્દુલ કાદર સૈયદ
તોકિર અનીશ અહેમદ અબ્દુલ રહેમાન શેખ
ચાઇનીઝ ગેંગની સંડોવણીની શંકા
આરોપીઓ ટેલિગ્રામ દ્વારા લિંક મોકલી, શરૂઆતમાં નાના રિવોર્ડ આપીને ભોગ બનનારને વિશ્વાસમાં લેતા અને પછી મોટી રકમ ટ્રાન્સફર કરાવતા. જે પૈસા તેઓ વિવિધ મ્યુ એકાઉન્ટમાં મંગાવતા, તે પૈસા એટીએમ દ્વારા ઉપાડી પછી USDT ક્રિપ્ટોકરન્સીમાં બદલી ચીન અને હોંગકોંગ મોકલતા. આ બદલામાં તેમને કમિશન મળતું હતું. પોલીસને આ કેસમાં ચાઇનીઝ ગેંગની સંડોવણીની શંકા છે, કારણ કે આરોપીઓ એપમાં મોટા ભાગે ચાઇનીઝ ભાષાનો ઉપયોગ કરતા હતા. હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે આ ગેંગે આ પહેલાં કેટલાં લોકોને ફસાવ્યા છે અને નેટવર્ક કેટલું મોટું છે.






