Home Gujarat Cyber Crime Success Rs 61 Crore Saved Out Of Rs 121 Crore

સાયબર ક્રાઈમની સફળતા! : રૂ.121 કરોડ પૈકી રૂ.61 કરોડ જેટલી રકમ બચાવી, '1930' નંબરે બચાવી લોકોની મહેનતની કમાણી!

સાયબર ક્રાઈમની સફળતા!
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 04:35 AM IST

Cyber Crime News : ડિસેમ્બર 2025 દરમિયાન સાયબર ક્રાઈમ સામે લડવામાં 1930 હેલ્પલાઇન અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે નોંધપાત્ર સફળતા મેળવી છે. સાયબર ઠગાઈના વધતા કેસ વચ્ચે નાગરિકોને સમયસર મદદ મળી રહે તે માટે કરવામાં આવેલી ઝડપી કાર્યવાહીથી કરોડો રૂપિયાનું નુકસાન અટકાવવામાં આવ્યું છે. ડિસેમ્બર 2025માં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને કુલ રૂ. 121 કરોડ ગુમાવ્યાની ફરિયાદો મળી હતી, જેમાંથી રૂ. 61 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરીને બચાવવામાં સફળતા મળી છે. આ રીતે સાયબર સ્કેમમાં જતી લગભગ 50 ટકા સુધીની રકમ બચાવવામાં સત્તાવાળાઓ સફળ રહ્યા છે.

રૂ. 121 કરોડ પૈકી રૂ. 61 કરોડ જેટલી રકમ બચાવવામાં આવી

ખાસ વાત એ છે કે ડિસેમ્બર મહિનાના માત્ર પાંચ દિવસમાં જ તમામ ફરિયાદોમાં થયેલ નાણાકીય નુકસાનને ફ્રીઝ કરીને બચાવવામાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે જબરદસ્ત કામગીરી કરી છે. 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર રવિવારે કુલ 1475 કોલ મળ્યા હતા, જેમાંથી 685 કોલ આર્થિક ગુનાઓ સંબંધિત હતા. આ દિવસે નાગરિકોએ કુલ રૂ. 1.57 કરોડ ગુમાવ્યા હતા, જેમાંથી તમામ રકમ સમયસર કાર્યવાહી કરીને ફ્રીઝ કરવામાં આવી હતી. તે જ રીતે સોમવારે 1930 હેલ્પલાઇન પર કુલ 2374 કોલ્સ નોંધાયા હતા, જેમાંથી 1115 કોલ્સ આર્થિક ગુનાઓને લગતા હતા. સોમવારે નાગરિકોએ રૂ. 10.54 કરોડ જેટલી રકમ ગુમાવી હતી, જેમાંથી રૂ. 9.1 કરોડ રૂપિયા સાયબર ક્રાઈમ ટીમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આ આંકડાઓ સાયબર ક્રાઈમ સામેની ઝડપી અને અસરકારક કાર્યવાહી દર્શાવે છે.

1930 હેલ્પલાઇન પર સંપર્ક કરી મહેનતની કમાણી બચાવી શકાય

અમદાવાદ શહેરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટ (ડિજિટલ ધરપકડ)ના કેસોમાં પણ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના કેસોમાં નાગરિકોએ કુલ રૂ. 7.12 કરોડ ગુમાવ્યા હતા, જેમાંથી રૂ. 7.11 કરોડ જેટલી રકમ સફળતાપૂર્વક ફ્રીઝ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નાગરિકો સમયસર 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરે તો મોટાભાગની રકમ બચાવી શકાય છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ અને 1930 હેલ્પલાઇનની સતત કામગીરી, ઝડપી પ્રતિસાદ અને જનજાગૃતિના કારણે સાયબર ગુનાઓમાં થતા નાણાકીય નુકસાનમાં મોટો ઘટાડો શક્ય બન્યો છે. સત્તાવાળાઓએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની સાયબર ઠગાઈ કે શંકાસ્પદ લેવડદેવડ થાય તો વિલંબ કર્યા વગર તરત જ 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરે, જેથી તેમની મહેનતની કમાણી બચાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now