Cyber Fraud : ગુજરાતમાં વધતા સાયબર ફ્રોડના કેસો સામે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આજે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અલગ–અલગ પ્રકારના સાયબર ગુનાઓ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ, તથા અન્ય ઉચ્ચ સ્તરના સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા કુલ 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
700 કરોડના રેકેટનો પર્દાફાશ
આ વિશાળ ઓપરેશન ભાવનગર અને રાજકોટના અલગ–અલગ સ્થળોએ ચલાવવામાં આવ્યું, જેમાં ખાનગી બેંકના 3 કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. બેંક કર્મચારીઓ પર આરોપ છે કે તેઓ સાયબર ગેંગને નકલી ખાતા ખોલવામાં અને નાણાં ટ્રાંઝેક્શન સરળ બનાવવામાં મદદ કરતા હતા. સાયબર સેલએ ભાવનગરમાંથી 700 કરોડ રૂપિયાના વિશાળ સાયબર ફ્રોડ રેકેટમાં સંકળાયેલા મુખ્ય આરોપીઓને પણ પકડી પાડ્યા છે.
સાયબર ક્રાઈમ સામે મોટી કામગીરી
તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ ગેંગ ઠગાયેલા નાણાંને પહેલા દુબઈ મોકલતા અને ત્યારબાદ ત્યાંથી ચાઈના ટ્રાન્સફર કરીને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દેવામાં આવતા હતા. આ રીતે પૈસા ટ્રેસ ન થાય તે માટે પુરો ઇન્ટરનેશનલ નેટવર્ક કાર્યરત હતું. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની આ કાર્યવાહી સાયબર ફ્રોડના વધતા કેસો સામે મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો છે. વધુ આરોપીઓ અને આંતરરાષ્ટ્રીય લિંક્સ અંગે તપાસ ચાલુ છે.






