Home Gujarat Customers Need Notworry Statement By Vadodara Gas Limited Admin Jignesh Gohil

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી! : ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 01:54 PM IST

Vadodara News: વડોદરા શહેરમાં પાઇપલાઇન દ્વારા ઘરેલું અને કોમર્શિયલ ગેસના જોડાણ મેળવવા માટે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા મળેલી માહિતી અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં ગેસ કનેક્શન માટેની અરજીઓમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને પગલે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.

અરજીઓનો આંકડો વધ્યો

તંત્રના દાવા મુજબ, છેલ્લા માત્ર એક સપ્તાહમાં 400 નવી અરજીઓ નોંધાઈ છે, જ્યારે 1500 જેટલા લોકો કનેક્શન માટેના ફોર્મ લઈ ગયા છે. ફેબ્રુઆરી માસમાં અંદાજે 1350 અરજીઓ આવી હતી, જેની સરખામણીએ માર્ચ મહિનામાં ગ્રાહકોનો ધસારો નોંધપાત્ર રહ્યો છે. વર્ષ 2024 થી અત્યાર સુધીમાં અંદાજે 5000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે, જેને પૂર્ણ કરવા માટે નગરપાલિકા અને VGL તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

કોમર્શિયલ સેક્ટરમાં પણ ડિમાન્ડ

માત્ર ઘરેલું જ નહીં, પરંતુ કોમર્શિયલ ગેસ કનેક્શનની માંગમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે મહિનામાં 8 થી 10 અરજીઓ આવતી હોય છે, તેની સામે ચાલુ માર્ચ મહિનામાં જ અત્યાર સુધીમાં 16 થી વધુ નવી અરજીઓ આવી ચૂકી છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોમર્શિયલ કનેક્શનમાં હોસ્પિટલો, શાળાઓ, કોલેજો અને સેવાભાવી સંસ્થાઓને પ્રાધાન્ય (Priority) આપવામાં આવશે.

તંત્રનો દાવો: પુરવઠો પૂરતો છે

વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલે જણાવ્યું હતું કે, "ગ્રાહકોએ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. વડોદરામાં હાલ અંદાજે પોણા ત્રણ લાખ લોકો પાઇપલાઇન દ્વારા ગેસનો ઉપયોગ કરી રહ્યા છે અને અમારી પાસે ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે." વધતી જતી માંગને પહોંચી વળવા અને પેન્ડિંગ અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા હસ્તકનું તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. પાઇપલાઇન ગેસ સુરક્ષિત અને સસ્તો હોવાથી લોકો હવે સિલિન્ડરના સ્થાને PNG કનેક્શન તરફ વળી રહ્યા હોવાનું જણાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now