Madhavpur Ghed Mela 2026: ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મેળાના આકર્ષણમાં વધારો કરવા અને પ્રવાસીઓને માધવપુરના નયનરમ્ય બીચ પર મનોરંજન પૂરું પાડવા માટે એક વિશેષ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ દ્વારા પરંપરાગત સંસ્કૃતિની સાથે આધુનિક રમતગમતનો અદભૂત સંગમ જોવા મળશે. દરિયાના ઉછળતા મોજાં અને રેતાળ કિનારે રમાનારી આ સ્પર્ધાઓ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
ગુજરાતના 650થી વધુ ખેલાડીઓ બતાવશે પાણી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. માધવપુરના દરિયા કિનારે તા. 27-03-2026 થી તા. 30-03-2026 દરમિયાન આ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે માધવપુર આવી રહ્યા છે. માધવપુર ઘેડ માત્ર એક મેળાનું સ્થળ નથી, પરંતુ ભારતીય સ્થાપત્યકલા અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. અહીં આવેલા 13મી સદીના પ્રાચીન મંદિરો, કુંડ અને આશ્રમો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ વર્ષે મેળામાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે પ્રવાસનને વેગ આપવા માટે 'બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ'નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરમાંથી ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવશે.
ગુજરાતના દરિયાકિનારે આવેલું માધવપુર ઘેડ માત્ર એક પર્યટન સ્થળ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનું અમૂલ્ય ઘરેણું છે. સદીઓથી અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમિણીજીના વિવાહનો ઉત્સવ ઉજવાય છે. આ પવિત્ર ભૂમિ પર ડગલે ને પગલે ઈતિહાસ અને આધ્યાત્મિકતાના દર્શન થાય છે. માધવપુરની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો તેની ગૌરવગાથા રજૂ કરે છે.
(1) શ્રી માધવરાયનું પુરાણું મંદિર: ૧૩ મી સદીનું આ જૂનું મંદિર સમુદ્રથી ઉપર ૨૦૦ ફૂટ ઉપર આવેલું વિષ્ણુમંદિર છે. મંદિરનાં વિવિધ શિલ્પો, કલા કારીગીરી, શિખર આ મલક ગર્ભદ્વાર-ગોખનાં શિલ્પો ઉપરથી આ જૂનું જીણું મંદિર સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો જણાવે છે. જૂના મંદિરની અંદર શ્રીમાધવરાયજી શ્રીત્રીકમરાયજીની પૂરા કદની જુગલ-જોડી હતી. સં. ૧૭૯૯ માં હવેલી બંધાતાં આ મૂર્તિઓની ત્યાં વૈષ્ણવી પ્રણાલિકા મુજબ પ્રતિષ્ઠા કરવામાં આવી. સૌરાષ્ટ્રના વિખ્યાત બહારવટિયા મૂળુ માણેક અને જોધા માણેક અહીં આવીને આ મંદિર ઉપર ભગવાન શ્રીકૃષ્ણની ધજા ફરકાવી ગયેલા એવી કિંવદંતી છે. અત્યારે પણ, આ મંદિર ભૂતકાળની ગૌરવગાથા રજૂ કરતું ઊભું છે. હાલ રાજ્ય સરકાર દ્વારા તેની મુળ ગરીમાને જાળવી રાખવાના સંકલ્પ સાથે આવનારી પેઢીઓ આ સાંસ્કૃતિક વિરાસત નીહાળી શકે તે માટે આ મંદિરના રીસ્ટોરેશનનુ કાર્ય હાથ કરવામાં આવ્યુ છે.
(2) શ્રી માધવરાયજીની નવી હવેલી: પોરબંદરના રાજમાતા રૂપાળીબાએ સં ૧૮૯૬માં જુના મંદિરની પૂર્વ બાજુ આવેલા મુ. ૧૭૯૯ના આ મંદિરને સ્થાને પોરબંદરના રાણી રૂપાળીબાએ આ હવેલી બંધાવેલી છે. આ મંદિરમાં શ્રી માધવરાય અને શ્રી ત્રીકમરાયની જુગલજોડી બિરાજે છે. કહેવાય છે કે આ મુર્તિઓના કદ જેવી મૂર્તિઓની જુગલજોડી ભારત ભરમાં નથી. આ મંદિરેથી જ માધવરાયજીની જાનનુ લગ્નોત્સવ વખતે પ્રસ્થાન થાય છે.
(3) શ્રી બળદેવજીનો માંડવો: સ્કંદપુરાણમાં બળદેવજીના માંડવાનો ઉલ્લેખ છે. ત્રેતાયુગમાં રેવત નામનો રાજા હતો તે રાજા બ્રહ્માજીના ઉપદેશથી પોતાની પુત્રી રેવતી બલદેવજીને આપી ગિરનાર ઉપર તપશ્ચર્યા કરવા ગયા હતા. તીર્થધામ માધવપુરમાં રેવતીકુંડ તથા બલદેવજીનો માંડવો અત્યારે પણ ગામની પૂર્વ બાજુએ સમુદ્રકિનારે પ્રત્યક્ષ છે. આ સ્થાન ચોબારી” તરીકે પ્રખ્યાત છે. રેવતી કુંડમાં સ્નાન કરવાથી દસ યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. બહારનાં યાત્રિક રેવતી કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.
આ પણ વાંચો: ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ "દામોદર" : જાણો આ નામ પાછળની કૃષ્ણ લીલા
(4) બ્રહ્મકુંડ: બ્રહ્મકુંડ ગામના મુખ્ય દરવાજાની ડાબી બાજુ ઉગમણી દિશાએ પરમ પવિત્ર બ્રહ્મકુંડ આવેલો છે. આ કુંડનું ધાર્મિક મહત્વ ઘણુ છે. બ્રહ્મકુંડને કાંઠે-કિનારે શ્રીકૃષ્ણ ભગવાન અને પાંડવોનાં દહેરાં આવેલાં છે. પુરાણમાં એક કથા છે કે શ્રીકૃષ્ણ ભગવાન પાંચ પાંડવો સાથે અત્રે આવેલા અને બ્રહ્મકુંડમાં પવિત્ર સ્નાન કરેલું. આ બ્રહ્મકુંડની અંદર બ્રહ્માનું પ્રાચીન મંદિર આવેલું છે. ત્યાં એક નાગદમનનું પણ શિલ્પ છે. તદુપરાંત ગરુડજી તથા વરાહ અને શિવ પાર્વતીની જુગલજોડીનાં પણ શિ૯૫ છે. આ કુંડમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય એવી લોકોમાં શ્રધ્ધા છે.
(5) કપિલ મુનિની ડેરી: કપિલ મુનિની ડેરી અરબી સમુદ્ર તટે કપિલ મુનિની ડેરી આવેલી છે, જે ખૂબ જ પ્રાચીન છે. આ ડેરી ઉપર વર્ષો પહેલાં પંખ” નામનું એક યાયાવર પક્ષી આવતું અને સમુદ્ર ઉપરથી ઊડીને આ ડેરી ઉપર બેસતું. ગામમાં ખબર મળતાં ધામધૂમથી એને શ્રીમાધવરાયના મંદિરમાં લઈ જવામાં આવતું. એ પંખી આખો દિવસ માધવરાયનાં દર્શન કરી, બીજે દિવસે મંગલાની ઝાંખી કરી શ્રીમાધવરાયજી સમક્ષ મૃત્યુ પામતું. આ વસ્તુ સં. ૧૯૫૮ માં જ્યેષ્ઠ માસમાં જે એ વખતના પોરબંદરના મહારાણાશ ભાવસિંહજીએ જોયેલ હતી તેને ઉલ્લેખ રાજદરબારને ચોપડે થયેલો છે.
(6) મધુવન: મધુવન ગામની ઉગમણી બાજુએ જરા ઇશાન તરફ એક કિ.મી. મધુવન-રૂપણવન આવેલું છે, આ વનમાં મધુ નામનો દત્ય રહેતો હતો અને કૃષ્ણ ભગવાને એનો સંહાર કરેલો. આ દૈત્યના નામ ઉપરથી મધુવન” નામ પડેલું છે તેમ મનાય છે. બીજી તરફ મધુવન ભગવાન શ્રીકૃષ્ણ વિવાહ સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ છે. મધુવનમાં અનેક દર્શનીય તીર્થ સ્થાન આવેલાં છે.
(7) નીલકંઠ મહાદેવ: નીલકંઠ મહાદેવનું મંદિર મધુવનમાં આવેલું છે. મંદિરના પાછળના ભાગમાં એક ગુફા હજુ પણ મોજુદ છે. આ સ્થાન બૌદ્ધકાલીન હોય એમ પણ લાગે છે. નીલકંઠ મહાદેવની બાજુમાં ગોરખનાથજીનું મંદિર આવેલું છે. કહેવાય છે કે ગુરુ ગોરખનાથ અહીં આવીને નીલકંઠ મહાદેવના સાંનિધ્યમાં થોડા દિવસ રહ્યા હતા. મંદિરની બાજુમાં રબારી દેસૂરનો પાળિયો વીરતાની ગાથા ગાતો ઊભો છે. આ પાળિયો ૨૫૦ વર્ષ જૂનો હોય એમ એના ઉપરના લેખથી લાગે છે.
(8) તારાપુરી આશ્રમ: સંત અમરપુરી અને મહાત્મા તારાપુરીએ આ આશ્રમની સ્થાપના કરી છે. પ્રાચીન સમયના વાલમીકિ ઋષિના આશ્રમ જેવો આ આશ્રમ પથિકોને પાથેય અને પુણ્ય કથાઓ પૂરી પાડે છે. ઉલ્લેખનીય છે કે જે તે સમયે પોરબંદરના મહારાજા શ્રીનટવરસિંહજી તરફથી આ જગ્યાને આર્થિક સહાયતા મળેલી હતી. આ આશ્રમમાં નટવરકુંડ આવેલો છે. દરરોજ સંત સમાગમ થાય છે. સંત અમરપુરીની સમાધિ ઉપર અખંડ ધૂણી પણ છે.
(9) શ્રીમહાપ્રભુજીની બેઠક: ભારત ભરમાં વૈષ્ણવ સંપ્રદાયની કુલ ૮૪ બેઠક છે તે માંહેની આ એક છે. પુષ્ટિમાર્ગપ્રવર્તક આચાર્ય શ્રીવલ્લભાચાર્યજી અહી આવેલા અને સાત દિવસ સુધી શ્રીમદ્ભાગવત રસપાન કરાવેલું. શ્રીમહાપ્રભુજીની બેઠક પાસે પ્રાચીન કદમ કુંડ આવેલો છે. આ કુંડમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને ત્રિવિધ તાપ હરાય છે એવી માન્યતા છે. કદમ કુંડને કાંઠે ૧૫૦ વર્ષ જૂનું કદમનું વૃક્ષ આવેલું છે.
(10) ચોરી માય: ભગવાન શ્રીકૃષ્ણના રુકમિણી સાથે જે જગ્યાએ મધુવનમાં વિવાહ ગોધલિક સમયે થાય છે તે સ્થાન ચોરી માયરા નામે ઓળખાય છે. આ સ્થળ પર સરકાર દ્વારા રીસ્ટોરેશન અને સુવિધા ઉભી કરવામાં આવી છે જેનુ ઈ-ખાતમુહૂર્ત વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ હતુ.
આ પણ વાંચો: શ્રી કૃષ્ણને 16000 રાણીઓ કેમ હતી? : રોચક છે પૌરાણિક કથા





