હવે ડ્રગ્સ લેતા થઈ ગયાં છે ગુજરાતના ઉંદરો!
12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ
2,300 કિલો ડ્રગ્સના ગાયબ થવાથી ઉઠ્યા સવાલ
"અમુક જથ્થો ચોરી થયો, ડ્ગ્સનો કેટલોક જથ્થો ઉંદર ખાઈ ગયા"
પોલીસે કેગના રિપોર્ટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સનો દાવો, સ્ટોરેજમાં મોટી ખામી
Gujarat Drugs Rats Controversy in CAG Report: 25 માર્ચે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનો કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ સાથે સાથે કાયદો અને વ્યવસ્થાના કેટલાક ગંભીર મુદ્દાઓ પણ ઉજાગર થયા છે. તેમાં સૌથી ચોંકાવનારી બાબત ડ્રગ્સના જથ્થા સાથે જોડાયેલી છે. કેગના અહેવાલ અનુસાર, છેલ્લા લગભગ 12 વર્ષમાં ગુજરાત પોલીસ અને તેની વિવિધ એજન્સીઓ દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે આ જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો ત્યારે તેમાં ભારે તફાવત સામે આવ્યો. જ્યારે ગૃહ વિભાગે આ અંગે સવાલ કર્યો કે, ઝડપાયેલાં ડ્ગ્સના જથ્થામાં આટલો તફાવત કેમ છે, તેમાં મોટી ઘટ કેમ છે? ત્યારે રોજ બદામ ખાતા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
એડીજીપી સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, લગભગ 144.180 કિલો ગાંજો તેમાંથી ચોરી થઇ ગયો, જ્યારે બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં. આ ઉપરાંત ગાંજો અને અફીણ લાંબો સમય સુધી પડી રહ્યાં તેથી તેમાંથી ભેજ શોષાઇ ગયો હોવાથી વજનમાં ઘટ આવી ગઇ. કેગે નોંધ્યું કે, આટલાં મોટા જથ્થામાંથી આંશિક જથ્થાની આવાં કારણોસર ઘટ આવી શકે પણ આટલાં મોટાં પ્રમાણમાં આવેલો તફાવત પુનર્વિચાર માગી લે છે. અર્થાત કેગને પણ પોલીસ અધિકારીઓની નિયત પર શંકા ગઇ છે. આ તફાવત માત્ર આંકડાઓમાંનો ભુલ નથી, પરંતુ સમગ્ર સિસ્ટમની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન મૂકે છે.
2,332 કિલો ડ્રગ્સ ગાયબ: આંકડાઓ શું કહે છે?
કેગના રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2010થી નવેમ્બર 2022 દરમિયાન ગુજરાત પોલીસની એસઓજી સહિતની એજન્સીઓએ કુલ 6,510.54 કિલો અને 848 બોટલ ડ્રગ્સ જપ્ત કર્યા હતા. આ એક વિશાળ જથ્થો ગણાય.
પરંતુ જ્યારે આ જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો, ત્યારે માત્ર 4,177.86 કિલો ડ્રગ્સનો જ હિસાબ મળ્યો. એટલે કે લગભગ 2,332.68 કિલો ડ્રગ્સ ગાયબ હોવાનું સામે આવ્યું. આ કુલ જથ્થાના લગભગ 35 ટકા જેટલું છે, જે કોઈ પણ રીતે સામાન્ય તફાવત કહી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છેકે, 25 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનો કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતના માથે 3.80 લાખ કરોડનું દેવું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખતોવખત ગુજરાતમાંથી, દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડ્યાના આંકડા પણ આવે છે. પરંતુ આ ડ્રગ્સ પકડાઇ ગયાં બાદ તેનું શું થાય છે તે કોઇ કહેતું નથી.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતનું જાહેર દેવું 3.80 લાખ કરોડ પાર! : CAG રિપોર્ટમાં મોટો ખુલાસો
ભારતના ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, 12 વર્ષમાં પોલીસે પકડેલાં ડ્રગ્સમાંથી 2,332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં અને ચોર ચોરી ગયાં. વાત આશ્ચર્યજનક લાગે તેવી છે, પણ પોલીસ અધિકારીઓએ જ પોતાના ખુલાસામાં આવી વિગતો જણાવી છે. કેગે નોંધ્યું કે, આટલાં મોટા જથ્થામાંથી આંશિક જથ્થાની આવાં કારણોસર ઘટ આવી શકે પણ આટલાં મોટાં પ્રમાણમાં આવેલો તફાવત પુનર્વિચાર માગી લે છે. અર્થાત કેગને પણ પોલીસ અધિકારીઓની નિયત પર શંકા ગઇ છે.
કેગ દ્વારા પોતાના અહેવાલમાં એક તસવીર રજૂ કરવામાં આવી છે જે પોલીસ સ્ટેશનનો એક સાવ નકામો ઓરડો હોય તેવું લાગે છે. આ ઓરડામાં જ પકડાયેલું ડ્રગ્સ રાખવામાં આવતું હોવાનું પોલીસે કેગને જણાવ્યું હતું. વિશ્લેષકોના મત મુજબ, આ મામલે સ્વતંત્ર તપાસ, સ્ટોરેજ સિસ્ટમમાં સુધારા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી જરૂરી બની શકે છે. સાથે સાથે, ડ્રગ્સના સંગ્રહ અને નિકાલ માટે આધુનિક અને પારદર્શક પ્રણાલી વિકસાવવાની પણ જરૂર છે જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓ ટાળી શકાય.





