Home Sports IPL 2026 Csk Vs Kkr 2026 Gaikwad Strategy Secret Win

IPL 2026; CSK એ મેચની અધવચ્ચે બદલ્યો ગેમ પ્લાન! : કેપ્ટન ઋતુરાજે જણાવ્યો 'સીક્રેટ ફોર્મ્યૂલા'

Ruturaj Gaikwad
Published by: Aryan Shah
Last Updated: Apr 15, 2026, 06:43 AM IST

CSK : IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તેમને તેમના ઘરઆંગણે એટલે કે, ચેપોક સ્ટેડિયમમાં હરાવવા લોઢાના ચણા ચાવવા સમાન છે. 14 એપ્રિલે રમાયેલી રોમાંચક મેચમાં ચેન્નાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે શાનદાર વિજય મેળવ્યો છે. હારની હેટ્રિક બાદ આ સતત બીજી જીત મેળવીને ચેન્નાઈએ પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. આ જીત બાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે મેચની રણનીતિને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

પ્લાન કેવી રીતે બદલાયો?

મેચ બાદ ઋતુરાજે જણાવ્યું હતું કે, શરૂઆતમાં ટીમનો ટાર્ગેટ 210 થી 220 રન બનાવવાનો હતો. પરંતુ 7-8 ઓવર પછી વિકેટનો મિજાજ બદલાઈ ગયો હતો. બોલ થોડો અટકીને અને સ્પીન થઈને આવતો હતો. આ પરિસ્થિતિ જોઈને ટીમે અધવચ્ચે જ પોતાનો પ્લાન બદલી નાખ્યો અને નક્કી કર્યું કે 180-190 નો સ્કોર પણ ડિફેન્ડ કરવા માટે પૂરતો રહેશે. આ રણનીતિ સફળ રહી અને ચેન્નાઈએ 192 રનનો સ્કોર સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યો.

બોલરોનું શાનદાર પ્રદર્શન

કેપ્ટને બોલરોની પ્રશંસા કરતા કહ્યું કે, હવે દરેક બોલરને પોતાની ભૂમિકાની સ્પષ્ટ ખબર છે. કઈ પરિસ્થિતિમાં કઈ લેન્થ પર બોલિંગ કરવી તેનું સચોટ આયોજન હતું. નૂર અહમદ અને અકીલ હુસૈન જેવા ખેલાડીઓના ઉપયોગ વિશે પણ ઋતુરાજે સ્પષ્ટતા કરી હતી કે વિરોધી ટીમની બેટિંગ લાઇનઅપને ધ્યાનમાં રાખીને તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેનો ફાયદો ટીમને મળ્યો.

ફીલ્ડિંગમાં સુધારાની જરૂર

મેચ દરમિયાન કેટલાક કેચ ડ્રોપ થયા હતા તે બાબતે કેપ્ટને સ્વીકાર્યું કે હ્યુમિડિટી (ભેજ) ને કારણે પરસેવો થતો હોવાથી મુશ્કેલી પડી હતી. જોકે, તેણે ઉમેર્યું કે જ્યાં સુધી ખેલાડીઓમાં જીતવાનો જુસ્સો અને એનર્જી છે, ત્યાં સુધી નાની ભૂલો સુધારી શકાય છે. ટીમ આગામી મેચોમાં ફિલ્ડિંગમાં ચોક્કસપણે સુધારો કરવા માંગશે.

આ પણ ખાસ વાંચો : CSKનો ચેપોકમાં દબદબો યથાવત : KKR ફરી હારના ચક્રમાં ફસાઈ

પોતાના ફોર્મ પર શું કહ્યું?

ઋતુરાજ ગાયકવાડે પોતાના વ્યક્તિગત ફોર્મ વિશે વાત કરતા કહ્યું કે, લાંબા સમય પછી વિનિંગ સાઈડમાં હોવું એક સકારાત્મક અનુભવ છે. તે અત્યારે ઘણો રિલેક્સ અનુભવી રહ્યો છે. તેણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે તે એક મોટી ઇનિંગ રમવાથી હવે બહુ દૂર નથી. હાલમાં અન્ય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે જે ટીમ માટે સારી નિશાની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now