Home Gujarat Cricket Fever In Vadodara Fans Flock Outside Hotels To Watch Team India

વડોદરામાં ક્રિકેટ ફીવર; ટીમ ઈન્ડિયાને જોવા હોટલ બહાર ઉમટ્યા ચાહકો! : IND vs NZ મેચ પૂર્વે 'વિરાટ-વિરાટ' ના નારાથી ગુંજ્યું વડોદરા!

વડોદરામાં ક્રિકેટ ફીવર; ટીમ ઈન્ડિયાને જોવા હોટલ બહાર ઉમટ્યા ચાહકો!
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 01:21 PM IST

Cricket craze in Vadodara: સંસ્કારી નગરી વડોદરા અત્યારે ક્રિકેટના રંગે પૂરેપૂરી રંગાઈ ગઈ છે. આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ ODI મેચ રમાવા જઈ રહી છે. આ ઐતિહાસિક મેચને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોનું વડોદરામાં આગમન થયું, ત્યારે ફેન્સનો આનંદ સાતમા આસમાને પહોંચ્યો હતો.

હોટલની બહાર 'વિરાટ-વિરાટ' ની ગુંજ

ભારતીય ટીમ શહેરની જાણીતી હયાત પેલેસ હોટલમાં રોકાઈ છે. પોતાના મનપસંદ સ્ટાર ક્રિકેટરો, ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માની એક ઝલક મેળવવા માટે હોટલની બહાર લોકોનું મોટું ટોળું ઉમટી પડ્યું હતું. વાતાવરણ એટલું જોશીલું હતું કે 'વિરાટ... વિરાટ...' અને 'કોહલી... કોહલી...' ના નારાઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ફેન્સનો આ પ્રેમ જોઈને ક્રિકેટ પ્રત્યેની વડોદરાની દિવાનગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

ફેન્સની અનોખી ભેટ અને દીવાનગીમાત્ર નારાબાજી જ નહીં, પરંતુ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ તો વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ખાસ પેઇન્ટિંગ્સ અને પોસ્ટર્સ બનાવીને લાવ્યા હતા. તેમની ઈચ્છા હતી કે, તેઓ પોતાના હાથે આ ભેટ મનપસંદ ખેલાડીઓને આપે.હદ તો ત્યારે થઈ જ્યારે જાણવા મળ્યું કે, ઘણા ફેન્સ પોતાના પ્રિય ખેલાડીને જોવા માટે ઓફિસમાં રજા મૂકીને આવ્યા હતા.કેટલાક ઉત્સાહી યુવાનો તો ટીમ ઇન્ડિયાને જોવા હોટલની ટેરેસ પર પણ ચડી ગયા હતા, જેને પગલે સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારવી પડી હતી.

પ્રેક્ટિસ માટે ટીમો રવાના

આજે સવારે ટીમ ઇન્ડિયા હયાત પેલેસ હોટલથી કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ સેશન માટે રવાના થઈ હતી. ખેલાડીઓની બસ જ્યારે પસાર થઈ ત્યારે ફેન્સમાં પડાપડી જોવા મળી હતી. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમ હોટલ વેલકમમાં રોકાઈ છે. ન્યુઝીલેન્ડ ટીમના ખેલાડીઓ પણ સવારે પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. વિદેશી ખેલાડીઓ સાથે સેલ્ફી લેવા માટે પણ ગુજરાતી ક્રિકેટ ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો.

મેચની આતુરતાપૂર્વક રાહ

ગઈકાલે મોડી રાત્રે 1 વાગ્યા સુધી ફેન્સ હોટલની બહાર ઉભા રહ્યા હતા અને આજે ફરી વહેલી સવારના 8 વાગ્યાથી લાઈનો લાગી ગઈ હતી. વડોદરામાં રમાનારી આ પ્રથમ ઇન્ટરનેશનલ ODI મેચ માટે સ્ટેડિયમ પણ સજ્જ છે. હવે જોવાનું એ રહેશે કે, 11 જાન્યુઆરીએ મેદાન પર જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ સામસામે આવશે, ત્યારે વડોદરાના ફેન્સનો આ જોશ ટીમ ઇન્ડિયાને કેટલી મોટી જીત અપાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now