11 વર્ષના લગ્ન જીવનનો ડુંગળી-લસણે આર્ણો અંત!
દંપતીના ડુંગળી-લસણ ખાવા બાબતે છૂટાછેડા
દંપતીનો ઝઘડો આખરે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો
ગુજરાત હાઇકોર્ટે પણ છૂટાછેડા પર મહોર મારી
Eating or not eating onions and garlic at home: ભારતમાં છૂટાછેડાના અનેક કારણો સાંભળવા મળે છે, પરંતુ અમદાવાદના આ કેસે બધાને ચોંકાવી દીધા છે. એક દંપતીના 11 વર્ષ જૂના દાંપત્ય જીવનનો અંત માત્ર એ કારણે આવ્યો કે, ઘરમાં ડુંગળી અને લસણ ખાવું કે ન ખાવું! પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની કડક અનુયાયી હતી અને સાત્ત્વિક આહારનું પાલન કરતી હતી, જ્યારે પતિ અને સાસુ ડુંગળી-લસણ વગરનું ભોજન ખાવા તૈયાર નહોતા. શરૂઆતમાં નાના-નાના ઝઘડા થતા હતા, પછી ઘરમાં બે અલગ-અલગ રસોડાં ચાલવા લાગ્યાં અને અંતે પત્ની બાળકને લઈને પોતાના પિયરમાં ચાલી ગઈ.
2013 ના છૂટાછેડાની અરજી
2013 માં પતિએ અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. તેમણે દાવો કર્યો કે, પત્નીએ તેની સામે માનસિક ક્રૂરતા ગુજારી છે અને તેનો પરિત્યાગ કર્યો છે. 8 મે 2024 ના રોજ ફેમિલી કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપતાં છૂટાછેડા મંજૂર કર્યા હતા અને પતિને પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.
ધાર્મિક માન્યતાઓને કારણે ડુંગળી-લસણ ન ખાવું એ ક્રૂરતા કેવી રીતે ગણાય?
બંને પક્ષો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા. પત્નીએ છૂટાછેડાના ચુકાદાને પડકાર્યો જ્યારે પતિએ ભરણપોષણની રકમ સામે અરજી કરી. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પત્નીના વકીલે દલીલ કરી કે, ધાર્મિક માન્યતાઓને કારણે ડુંગળી-લસણ ન ખાવું એ ક્રૂરતા કેવી રીતે ગણાય? જ્યારે પતિના વકીલે જણાવ્યું કે, તેમના અસીલ અને સાસુ પત્ની માટે હંમેશા અલગથી ડુંગળી-લસણ વગરનું ભોજન બનાવતા હતા, તેમ છતાં પત્નીનું વલણ અડગ રહ્યું અને ઘર છોડીને ચાલી ગઈ.
હાઇકોર્ટે શું ચુકાદો આપ્યો
છેવટે હાઇકોર્ટમાં પત્નીએ જાહેર કર્યું કે, હવે તેને પણ છૂટાછેડા સામે કોઈ વાંધો નથી. પતિએ પણ ભરણપોષણની બાકી રકમ કોર્ટની રજિસ્ટ્રીમાં હપ્તા ભરીને જમા કરાવવાની તૈયારી દર્શાવી. આખરે ગુજરાત હાઇકોર્ટે ફેમિલી કોર્ટનો ચુકાદો યથાવત રાખતાં પત્નીની અપીલ ફગાવી દીધી અને છૂટાછેડા પર અંતિમ મહોર મારી દીધી. આ કેસ એ દર્શાવે છે કે, નાની લાગતી આહારની આદતો પણ કેટલીક વાર ઘર તોડી શકે છે, ખાસ કરીને જ્યારે બંને પક્ષો પોતાના વલણમાં અડગ રહે અને સમાધાનનો રસ્તો ન અપનાવે.






