Prakash Varmora Statement : ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક મંચ પરથી બોલતા તેમણે જણાવ્યું હતું કે “પ્રજાની ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા ડગી છે, અમારામાં ચારિત્ર હીન માણસો આવી ગયા છે. રાજનીતિમાં ચારિત્ર હીન, દારૂ પીવા વાળા અને જુગાર રમવા વાળા લોકો આવી ગયા છે, જેને ઠીક કરવાની તાકાત ધર્મ સત્તા પાસે છે.”
મહિલાઓમાં ભારે મૂંઝવણ
ધારાસભ્યના આ નિવેદન બાદ ચારે તરફથી પ્રતિસાદો આવવા લાગ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓમાં ભારે મૂંઝવણ અને અસંતોષ જોવા મળ્યો હતો. મહિલાઓએ અંદરો અંદર પ્રશ્ન ઉઠાવ્યા કે “ભાજપમાં આવી પરિસ્થિતિ હશે તો સરકાર જે મહિલા સલામતી અને મહિલા અનામતની વાત કરે છે તે કેટલી સાચી?”
મંત્રીમંડળમાં સ્થાન ન મળતા MLA અકળાયા!
ધારાસભ્યના શબ્દોને કારણે પાર્ટીની છબી પર પણ પ્રશ્નચિન્હ ઊભાં થયા છે. ઘણા લોકોનું માનવું છે કે ધારાસભ્ય વરમોરા મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યા બાદ અસંતોષ વ્યક્ત કરી રહ્યા હોય તેવી ચર્ચાઓ પણ ચારે તરફ થઈ રહી છે. વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં નવો વિવાદ ઉભો થયો છે અને પક્ષની અંદર પણ ચર્ચાઓ તેજ બની છે.






