પાકિસ્તાનના અનેક વિસ્તારમાં આવેલા આતંકી ઠેકાણાંઓના પિનપોઈન્ટ નાશ અને બાલાકોટ જેવી સર્જિકલ સ્ટ્રાઇકમાં દેશના સેટેલાઇટ્સ અને ટેક્નોલોજી સેન્ટર્સની ભૂમિકા નિર્ણાયક રહી છે. ખાસ કરીને ઇસરોના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)માં વિકસાવવામાં આવેલો ઓપ્ટિકલ ટેલિસ્કોપ અને માઈક્રોવેવ રડાર ભારતીય સૈન્યના ‘ત્રીજા નેત્ર’ બની રહ્યા છે.
આ ટેલિસ્કોપ પૃથ્વી પરથી 28 સેન્ટીમીટરમાંથી પણ વસ્તુઓને ઓળખી શકે છે. તે કાર્ટોસેટ ઉપગ્રહમાં લગાવવામાં આવે છે. બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ આ ઉપકરણનો નિર્ણાયક ઉપયોગ થયો હતો.
કાર્ટોસેટ સેટેલાઇટ સિરીઝ: દ્રષ્ટિની નક્કર સીમા
ઇસરો દ્વારા વિકસિત કાર્ટોસેટ સિરીઝના ઉપગ્રહો ભારતીય સરહદોની સુરક્ષા, દુશ્મન દેશની હિલચાલ અને નાગરિક યોજનાઓના મોનિટરિંગ માટે ઉપયોગી છે. 2005માં કાર્ટોસેટ-1 લોન્ચ થયો હતો, જે 2.5 મીટર સુધી જોઈ શકતો હતો. ત્યારબાદ 2019 સુધીમાં વિવિધ ક્ષમતાવાળા 8 ઉપગ્રહો લોન્ચ થયા છે. આજેનાં ઉપગ્રહો 0.625 મીટર સુધીની વસ્તુઓની ચોખ્ખી તસવીરો પૃથ્વીથી મોકલી શકે છે.
SACની ટેક્નોલોજી: નાસાની બરોબરી કે એની પર?
SACમાં વિકસિત ઓપ્ટિકલ સિસ્ટમ્સ કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ બંને પ્રકારની તસવીરો ઉઠાવી શકે છે. કાર્ટોસેટ દર સેકન્ડે 7.5 કિલોમીટરની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરે છે. તેનાથી એરપોર્ટની લાઈનો, રોડ પર દોડતી કાર, છત પરની પાણીની ટાંકી અને નદીમાં પૂરથી થયેલ ધોવાણ જેવી ઘટનાઓની તસવીરો પણ સ્પષ્ટપણે મેળવી શકાય છે.
માઇક્રોવેવ રડાર: વાદળો અને અંધારામાં પણ સચેત નજર
માઈક્રોવેવ SAR રડાર દિવસ, રાત અને વાદળછાયાં કે વરસાદી વાતાવરણમાં પણ કાર્યક્ષમ રહે છે. SACએ વિકસાવેલી આ ટેક્નોલોજી રડાર સિગ્નલ મોકલે છે અને તેના પરાવર્તનથી હાઈ રિઝોલ્યુશન ઈમેજ પેદા કરે છે. જ્યારે ઓપ્ટિકલ સિસ્ટમ્સ માત્ર દિવાના પ્રકાશમાં જ તસવીરો આપી શકે છે, ત્યારે SAR રડાર અંધારામાં પણ ચોકસાઈથી નજર રાખી શકે છે.
ચંદ્રયાનથી બાલાકોટ સુધી યાત્રા
SACના કેમેરાઓ માત્ર સૈન્ય જ નહીં પણ વૈજ્ઞાનિક મિશન માટે પણ ઉપયોગી બન્યા છે. ચંદ્રયાનમાં શિવશક્તિ પોઈન્ટની તસવીરો કેપ્ચર કરતી વખતે પણ સ્વદેશી કેમેરાએ નાસાની તસવીરો કરતા વધુ ઉત્તમ રિઝોલ્યુશન આપી દીધું હતું.
નિષ્ણાતોનું કહેવું
પ્રતિકારાત્મક ટેક્નોલોજીમાં ભારતે હવે વિશ્વસ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે દુશ્મનના હિલચાલ કે બાંધકામની પળે પળ ઓળખ શક્ય બનતી જઈ રહી છે, અને તેનો શ્રેય મુખ્યત્વે અમદાવાદના SAC અને ભારતીય વૈજ્ઞાનિકોની તપસ્યાને જાય છે.





