Home Gujarat Congresss Exercise For Mission Gujarat Rahul Gandhi Gave A Lecture To Everyone

ગુજરાતમાં જે દોડે એવા લાગ્યા એને રાહુલ ગાંધીએ કર્યા રેસમાં સામેલ! : રાજકીય રેસની તૈયારી માટે કોંગ્રેસની કવાયત

ગુજરાતમાં જે દોડે એવા લાગ્યા એને રાહુલ ગાંધીએ કર્યા રેસમાં સામેલ!
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 08:38 AM IST

Gujarat Politics: ગુજરાતમાં કોંગ્રેસ ધીરેધીરે ખતમ થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની બોડી હોય કે વિધાનસભાની સીડી કોંગ્રેસમાં જીતનો રેસિયો સતત નીચે જઈ રહ્યો છે. ત્યારે વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવાના મિશન સાથે હવે નવી ટીમ પાડવામાં આવી છે. કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું. અને શરૂ થઈ ઘોડા દોડાવવા નવા રિંગ માસ્ટરની શોધ. પછી તો શું હતું ફરી એકવાર રાજકીય ફલક પર નવી બોટલમાં જુના દારૂ જેવો ઘાટ જોવા મળ્યો.

ફરી એકવાર રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોવડી મંડળે અમિત ચાવડાને ગુજરાતના કેપ્ટન બનાવીને રેસના ઘોડા દોડાવવા ચાબુક આપી દીધી. એટલેકે, ગુજરાતની ટીમ બિલ્ડ કરવા પુરા પાવર આપી દીધાં. જેને કારણે છેલ્લાં કેટલાંક સમયથી સુશુપ્ત પડેલું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું કાર્યાલય હવે ફરી ધમધમતું થયું છે. ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સીલરો અને પદાધિકારીઓ હવે નિયમિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર આવતા થયા છે. સ્થાનિક સ્વરાજથી વિધાનસભા સુધીની તમામ ચૂંટણીઓમાં મહત્ત્વની ભૂમિકા સોંપાઈ છે તેવા નેતા હવે એક્ટીવ મોડમાં આવી ગયા છે. મિશન ગુજરાતની રાજકીય રેસની તૈયારી માટે કોંગ્રેસ કાર્યાલય પર કવાયત જોવા મળે છે.

રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને આપ્યું રાજકીય લેશનઃ

સૂત્રોની માનીએ તો ગુજરાત મુલાકાત દમિયાન કોંગ્રેસના જે નેતાઓ કામના લાગ્યા એવા એક-એકને વ્યક્તિગત મળીને તેની સાથે વાતચીત કરીને રાહુલ ગાંધીએ તેમને મિશન ગુજરાત માટેની વ્યક્તિગત જવાબદારીઓ સોંપી હતી. કેટલાંક નેતાઓને પોતાના વિસ્તાર અને સમાજમાં પ્રભુત્વ ઉભું કરવા રાહુલ ગાંધીએ ખાસ લેશન પણ આપ્યું હતું. એટલું જ નહીં રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓના રાજકીય ભાવિ અંગે પણ વ્યક્તિગત વાતચીત કરીને ભવિષ્યમાં તેમને મોટી જવાબદારીઓની આશા આપી હતી. એજ કારણ છેકે, એક સમયે જે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર કાગડા ઉડતા હતા ત્યાં નિયમિત નેતાઓની ચહેલપહેલ જોવા મળે છે.

શું પંજા સતાવી રહ્યો છે ઝાડુનો ડર?

ગુજરાતમાં આગામી પાલિકા અને પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હવે કમરકસી રહી છે. કારણકે, અહીં લડાઈ માત્ર હાર કે જીતની નથી પણ હવે અસ્તિત્વની લડાઈ છે. એક તરફ પંજાનો સતત નીચો જઈ રહેલો ગ્રાફ અને બીજી તરફ સતત ઉંચે ચઢતો ઝાડુનો પારો કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ધીરે-ધીરે મજબૂત પકડ બનાવી રહેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો પવન લઈને આવી છે. ત્યારે આ પરિસ્થિતિમાં રાહુલ ગાંધીનું ગુજરાત જીતવાનું સપનું સાકાર કરવા અમિત ચાવડાએ નવી સુપર ટીમ બનાવી છે. સંગઠનાત્મક સુધારાઓ કરી ફરી પડી ભાંગેલી પાર્ટી ફરી ગુજરાતમાં બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ ચાવડાની નવી સુપર ટીમમાં રાહુલ ગાંધીની સુચના મુજબ દરેક સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપીને રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કાર્યકારી પ્રમુખનું પદ આપી સમાજોને ખુશ કરવાનો ખેલઃ

સૂત્રોની માનીએ તો કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આશરે 4થી 5 કાર્યકારી પ્રમુખોની નિમણૂંક થઈ શકે છે. જેમાં ખાસ કરીને પાટીદાર, ઠાકોર, દલિત, મુસ્લિમ અને આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓનો સમાવેશ થવાનો છે. પાટીદાર નેતાઓને પ્રાધાન્ય આપવાનો ઉદ્દેશ કોંગ્રેસના ઊંડા રાજકીય સંકેત તરફ ઈશારો કરે છે, કારણ કે અત્યારસુધી પાટીદાર સમાજનો પ્રતિનિધિત્વ એટલો સ્પષ્ટ રીતે કોંગ્રેસમાં નોંધાયો નહતો. સમાજ આધારિત કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરાઈ રહી છે. કોંગ્રેસે હવે સંગઠનાત્મક વિસ્તરણમાં વિવિધ સમાજના આગેવાનોને જોડવાનો કવાયત કરી રહી છે.

સમાજના શ્રેષ્ઠીઓને પાર્ટીમાં જોડવા નેતાઓને સોંપાઈ જવાબદારીઃ

સમાજના શ્રેષ્ઠીઓ, સરકારથી નારાજ લોકો, નિવૃત્ત સરકારી અધિકારીઓ, ગ્રામીણ આગેવાનો વગેરેને કોંગ્રેસમાં સામેલ કરવા માટે રેસના ઘોડાઓને મહત્ત્વની જવાબદારી કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સોંપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ તથા જિલ્લા કક્ષાએ સંગઠન ઉભું કરી લેતાં હવે પાર્ટીનો દ્રષ્ટિકોણ તાલુકા સ્તરે પણ આગળ વધવાનો છે. નવા પ્રમુખોની નિમણૂંક નિરીક્ષકો દ્વારા થશે. આ સાથે દરેક તાલુકામાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સાથે સંકલન સાધીને ચૂંટણી પૂર્વે કોંગ્રેસનું ભૂમિકા મજબૂત બનાવવાનો પ્રયાસ છે.

રાહુલ ગાંધીએ આપી હતી પ્રધાનમંત્રી મોદીને ચેલેન્જઃ

થોડા સમય અગાઉ રાહુલ ગાંધીએ સંસદમાં પ્રધાનમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે, 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત અમે જીતીશું. રાહુલ ગાંધીએ ચેલેન્જ આપ્યાં બાદ ગુજરાતમાં ધરમૂળથી કોંગ્રેસમાં ફેરફારો કરવામાં આવ્યાં છે. પહેલાં રાહુલ ગાંધી ગુજરાતમાં યાત્રા કરીને ગયા. ત્યાર બાદ જિલ્લા સ્તરે પણ પ્રમુખોનો પાવર વધારવાની વાત કરવામાં આવી. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું કે હવે ચૂંટણીમાં ટિકિટો પણ લોકલ લેવલે કાર્યકરોનો અભિપ્રાય લીધાં બાદ જ આપવામાં આવશે. યુવાઓને વધુ તક આપવાની વાત પણ રાહુલ ગાંધીએ કહી હતી.

"કોંગ્રેસમાં રેસના અને લગ્નના બે પ્રકારના ઘોડા છે"

આ સાથે રાહુલ ગાંધીએ ખુદ એવી પણ કબુલાત કરી હતીકે, કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે. એક દોડવાવાળા અને બીજા લગ્નના ઘોડા. રાહુલ ગાંધીના આ નિવેદનથી કોંગ્રેસનું આંતરિક રાજકારણ સપાટી પર આવી ગયું છે. હાલમાં અમિત ચાવડાને ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં ભાજપ કોને પ્રદેશ પ્રમુખ બનાવે છે તેની રાહ જોવાઈ રહી છે. આ બધાં જ મામલાના કેન્દ્રમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ છે. જેને રસ્તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાંથી થઈને પસાર થશે.

અમિત ચાવડાની નવી ટીમઃ

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોંગ્રેસે યુવા અને અનુભવી ધારાસભ્યોની ટીમ જાહેર કરી છે, જેમાં નીચે મુજબના હોદ્દેદારોનો સમાવેશ થાય છે:

શૈલેષ પરમાર – વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા

ડૉ. કિરીટ પટેલ – મુખ્ય દંડક

વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલા – ઉપદંડક

દિનેશ ઠાકોર – પાર્ટીના ખજાનચી

કાંતિભાઈ ખરાડી – મંત્રી

જીગ્નેશ મેવાણી અને અનંત પટેલ – પાર્ટીના પ્રદેશ પ્રવક્તા

આ નિમણૂકો દ્વારા કોંગ્રેસ ફરી એકવાર સંદેશ આપવા માંગે છે કે તે રાજ્યના રાજકારણમાં પોતાની પુનરાવર્તન યાત્રા માટે તૈયાર છે.

ગુજરાતમાં ગડબડીની કોંગ્રેસને ચિંતાઃ

બિહારમાં બોગસ મતદારોના મુદ્દે વિવાદ વંટોળ ઉઠયો છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ કેન્દ્રીય ચૂંટણી પંચ સામે આંગળી ચિંધી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે હવે ગુજરાતમાં બધાય જીલ્લા પ્રમુખોને સુચના આપી છે કે, તમારા મત વિસ્તારની મતદાર યાદીને બરોબર ચકાસો. હાઈકમાન્ડને ગુજરાતમાં મતદારયાદીમાં ગરબડ હોવાની શંકા પેઠી છે.

એક તરફ વિસાદરથી વિધાનસભામાં જીત હાંસલ કરીને ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયાના કારણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક્ટીવ મોડમાં આવી ગઈ છે. ત્યારે કોંગ્રેસે પણ હવે ગુજરાતમાં રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. એજ કારણ છેકે, ગુજરાત કોંગ્રેસે હવે સંગઠનમૂખી અને સમાજઆધારિત રાજકારણની નવી રીતે શરૂઆત કરી છે. અમિત ચાવડાની નવી ટીમ અને યોજનાઓ સાથે, કોંગ્રેસ પાર્ટી હવે 2025ની સ્થાનિક ચૂંટણીમાં મજબૂત હાજરી માટે તત્પર દેખાઈ રહી છે. હવે જોવાનું એ છે કે આ નવી ટીમ અને આયોજન ગુજરાતની રાજકીય હકીકતને કેટલો બદલી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now