અમદાવાદમાં આજથી કોંગ્રેસ વર્કિંગ કમિટિ એટલેકે, CWCની બેઠકનો પ્રારંભ થઈ ગયો છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં થયો છે. CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે લગભગ 10.30 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. એર ઇન્ડિયાની લંડનની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને કારણે બંને નેતાઓ અમદાવાદ પહોંચવામાં અડધો કલાક મોડા પડ્યા હતા. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક બાદ સાંજે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. જોકે, હજુ સીધુ પ્રિયંકા ગાંધી અમદાવાદ પહોંચ્યા નથી. જેના કારણે પણ રાજકીય વર્તુળોમાં અલગ-અલગ ચર્ચા વહેતી થઈ છે.
કોંગ્રેસ અધિવેશનની શરૂઆત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક સાથે થઈ. આ બેઠક અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાઈ રહી છે. તેમાં CWC સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યાં છે.
ખાસ કરીને આવતીકાલે એટલેકે, 9 એપ્રિલે યોજાનાર કોંગ્રેસના મુખ્ય અધિવેશનમાં દેશભરમાંથી 1,700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. અહીં એક VVIP ડોમ બનાવવામાં આવ્યો છે. આ અધિવેશનની થીમ છે, 'ન્યાયપંથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ.'
આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે. એટલું જ નહીં મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા તેને આ વર્ષે 100 વર્ષ પુરા થઈ રહ્યાં છે. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ આવી રહી છે. બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરી રહી છે.






