Home Gujarat Congress Statistical Attack On Hit And Run Issue

Hit And Run મુદ્દે કોંગ્રેસનું આંકડા આક્રમણ : "ત્રણ વર્ષમાં હિટ એન્ડ રનના કેસોમાં 3400થી વધુ લોકોના મોત"

Hit And Run મુદ્દે કોંગ્રેસનું આંકડા આક્રમણ
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 01:39 PM IST

ગાંધીનગરના રાંદેસણ પાસે ફરી હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે ત્રણથી ચાર વાહનોને ઉડાવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ઉમટયા હતા અને સ્થાનિકોએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં કુલ 2 લોકોના મોત થયા છે,જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાને લઈ ગુજરાત કોંગ્રેસે વિવિધ વર્ષોમાં થયેલા હિટ એન્ડ રનના આંકડા જાહેર કર્યા હતા.

હિટ રનના મુદ્દે કોંગ્રેસનું આંકડા આક્રમણ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, ગાંધી- સરદારના ગુજરાતમાં દારૂની રેલમછેલ હવે નાગરિકોના ભોગ લઈ રહી છે તે માટે જવાબદાર કોણ? પાટનગર ગાંધીનગરમાં દારૂ પીધેલ નબીરાઓએ ટક્કર મારી પરિણામે ત્રણથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કાયદા અમલીકરણની ઢીલી નીતિ અને નબળી કામગીરીને લીધે હિટ એન્ડ રન જેવી ઘટનાઓ વધી છે. ગુજરાતના રસ્તાઓ મોતના માર્ગ બની ગયા છે. છડેચોક નબીરાઓ દારૂ ઢીંચીને માસૂમ નાગરિકોને ગાડી તળે કચડીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, બેરોકટોક દારૂના વ્યાપાર અને તેને કારણે થઈ રહેલા હિટ એન્ડ રનના કેસો રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. સરકાર માત્ર 'કડક કાર્યવાહી કરીશું, ચમરબંધીને છોડવાના નહીં આવે' જેવા નિવેદનબાજીથી પોતાની જવાબદારીમાંથી છટકી જવા માંગે છે. રાજ્યમાં કડક કાયદાકીય અમલવારી, ટ્રાફિક નિયમોનું પાલન અને અસરકારક દેખરેખની સખત જરૂર છે. પરંતુ ભાજપ સરકાર આ બાબતે સંપૂર્ણપણે નિષ્ક્રિય રહી છે.

કોંગ્રેસે હિટ એન્ડ રનના આંકડા કર્યા જાહેર

કોંગ્રેસે આંકડા જાહેર કર્યા તે પ્રમાણે ગુજરાતમાં ત્રણ વર્ષમાં હિટ એન્ડ રનના કેસોમાં 3400થી વધુ લોકોના મોત થયા છે. અને 2700થી વધુ લોકો ઘાયલ થયા છે. ગુજરાતમાં વર્ષ 2020- 21માં 1499, વર્ષ 2021- 22માં 1591 અને વર્ષ 2022- 23માં 1770 હિટ એન્ડ રનના કેસો નોંધાયા છે. જેની કુલ સંખ્યા 4860 થાય છે. આ અકસ્માતોમાં 3449 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો, જેમાંથી એકલા અમદાવાદ જિલ્લામાં 329 મોત થયા છે. આ ઉપરાંત, 2720 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.સરકારની નિષ્ક્રિયતાને કારણે નિર્દોષ નાગરિકોના જીવનું મૂલ્ય ઘટી રહ્યું છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં હિટ એન્ડ રનના કેસો અને તેનાથી થતા મોતની સંખ્યા સતત વધી રહી છે.

નબીરાઓ પર ત્વરિત કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ

વર્ષ 2020- 21માં 1069, વર્ષ 2021-22માં 1158 અને વર્ષ 2022-23માં 1222 મોત નોંધાયા છે. જે રાજ્ય સરકારની નિષ્ફળતા અને બેદરકારીને ઉજાગર કરે છે. આવા કેસોમાં નિર્દોષ લોકોના જીવ જાય છે, પરંતુ શું ભાજપા સરકાર ગંભીર પગલાં લેવાને બદલે માત્ર નિવેદનબાજીથી ખુશ છે? અમદાવાદ જેવા મહાનગરોમાં પણ ટ્રાફિક વ્યવસ્થા નબળી છે અને હિટ એન્ડ રનના કેસોમાં ગુનેગારોને કડક સજા કરી ઉદાહરણ પૂરું પાડવામાં પોલીસ વિભાગ નિષ્ફળ રહ્યું છે. સરકાર તાત્કાલિક અસરથી રાજ્યમાં બેરોકટોક અને બેફામ પણે વેચાઈ રહેલા દારૂને બંધ કરે, હિટ એન્ડ રનના કેસો ઘટાડવા માટે કાયદાનું કડક અમલ કરે, ટ્રાફિક વ્યવસ્થાપનને મજબૂત કરે, બેફામ બનેલા નબીરાઓ પર ત્વરિત કાર્યવાહી કરી કડક સજા કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now