Jignesh Mevani Police Controversy : વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા થોડા દિવસ પહેલાં થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરાતા ઉત્તર ગુજરાતમાં મોટો વિવાદ સર્જાયો છે. છેલ્લા ત્રણ–ચાર દિવસથી મેવાણીના આ નિવેદનને લઈને ગરમા-ગરમી ચાલુ છે અને રાજકીય તથા પોલીસ વર્ગ બંનેમાં તણાવ સર્જાયો છે.
જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈ વિવાદ ચરમસીમાએ!
જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના નામ લીધા વગર જ કડક પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ સમગ્ર પોલીસ પરિવારે મેવાણીના નિવેદનનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પાટણ, પાલનપુર, થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ પરિવારે વિરોધ પ્રદર્શન કરીને તંત્ર સમક્ષ રજૂઆત પણ કરી હતી. આ વિરોધ બાદ હવે સ્થિતિ રાજકીય વળાંક લઈ રહી છે. આજે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા થરાદ, પાટણ, પાલનપુર અને ભુજ સહિતના અનેક શહેરોમાં રેલીઓ યોજાઈ છે. થરાદમાં તો કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
થરાદમાં જિગ્નેશ મેવાણી જિંદાબાદના નારા લાગ્યા!
થરાદની રેલી દરમિયાન હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને જિગ્નેશ મેવાણી જિંદાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મેવાણીના સમર્થનમાં થયેલી આ જનસંખ્યા જોઈને રાજકીય તાપમાન વધુ ચઢી રહ્યું છે. આ મામલે આગામી દિવસોમાં વધુ રાજકીય નિવેદનો, રેલીઓ અને ચર્ચાઓ થવાની શક્યતા છે. વિવાદે પોલીસ અને રાજકીય વર્ગને આમને-સામને લાવી દીધા છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં હલચલ મચી ગઈ છે.






