Congress MP Praniti Shinde: પ્રણિતી શિંદે હાલમાં રાજકીય ચર્ચાના કેન્દ્રબિંદુ બન્યા છે. સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ગંભીર ચર્ચામાં તેમના એક નિવેદને હોબાળો મચાવ્યો છે. લોકસભામાં “ઓપરેશન સિંદૂર” વિશેની તેમની ટિપ્પણીએ વિવાદ ઊભો કર્યો છે. 28 જુલાઈ, 2025ના રોજ લોકસભામાં થયેલી ચર્ચા દરમિયાન પ્રણિતી શિંદે દ્વારા આ ઓપરેશનને "તમાશો" ગણાવવામાં આવ્યું, જેને લઈને રાજકીય પક્ષોમાં મતભેદ અને પ્રતિક્રિયાઓની સુનામી આવી ગઈ છે.
સંસદમાં ચાલી રહેલી ગંભીર ચર્ચામાં પ્રણિતી શિંદેએ કહ્યુંકે, "ઓપરેશન સિંદૂર સફળ મિશન કરતાં વધુ એક મીડિયા શો એક તમાશો હતું." તેમણે સરકાર પાસે પ્રશ્ન કર્યો કે, "આ ઓપરેશનમાં કેટલા આતંકવાદીઓ પકડાયા?" તેમ જ કહ્યું કે સરકારએ આ અભિયાનને માત્ર ચમકદાર રજૂઆત માટે વાપર્યું.
પ્રણિતી શિંદેની રાજકીય સફરઃ
પ્રણિતી શિંદેનો જન્મ 9 ડિસેમ્બર, 1980ના રોજ થયો હતો. તે ભૂતપૂર્વ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેની પુત્રી છે અને રાજકીય વારસો ધરાવે છે. તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસના એક સક્રિય અને જાણીતા નેતા તરીકે ઓળખાય છે.
પ્રણિતી શિંદેએ અત્યાર સુધીમાં ત્રણ વખત મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ચૂંટાઈ આવી છે, ખાસ કરીને સોલાપુર સિટી સેન્ટ્રલ મતવિસ્તારમાંથી. વર્ષ 2021માં તેમને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે સોલાપુર લોકસભા બેઠક પરથી જીત મેળવી, અને ફરી એકવાર સંસદમાં સ્થાન મેળવ્યું. પ્રણિતી શિંદેએ પોતાની શિક્ષણયાત્રા મુંબઈમાંથી પૂર્ણ કરી છે. ઉપરાંત તેઓ એક NGO પણ ચલાવે છે, જેનાથી જરૂરિયાતમંદ લોકોને સહાય અને સમર્થન મળે છે. તેમના કાર્યને કારણે તેઓ સોલાપુર વિસ્તારમાં લોકપ્રિય રાજનેતા તરીકે જાણીતાં છે.
પહેલાં પણ રહી ચૂકી છે વિવાદોમાંઃ
ઓપરેશન સિંદૂર પરની ટિપ્પણી પૂર્વે પણ પ્રણિતી શિંદે ચર્ચામાં રહી ચૂકી છે. કેટલીક જૂની તસવીરો વાયરલ થતાં તેમનું નામ રાહુલ ગાંધી સાથે જોડવામાં આવ્યું હતું. આ સંબંધિત અહેવાલો માત્ર અફવાઓ સાબિત થયા હતાં.
તેમજ, સોશિયલ મીડિયા પર પણ તેઓ ઘણીવાર સક્રિય રહે છે અને યુથમાં તેમનું વલણ લોકપ્રિય છે. પ્રણિતી શિંદે હાલના સમયમાં એક એવી નેતા તરીકે ઉભરી આવી છે જે સીધી અને સ્પષ્ટ ભાષામાં વાત કરે છે. તેમનું ઓપરેશન સિંદૂર વિશેનું નિવેદન ભલે વિવાદાસ્પદ બન્યું હોય, પરંતુ તેને લઈ જાહેર જનતામાં તીવ્ર ચર્ચા શરૂ થઈ છે. જો કે, તેમની રાજકીય પ્રતિષ્ઠા અને સેવા પ્રવૃત્તિઓનું મહત્વ તેમના અભિપ્રાયથી અલગ જોઈ શકાય છે.





