Home Gujarat Congress Leader Amit Chavda Attacks On Mnrega Scam In Dahod

દાહોદમાં મનરેગામાં કૌભાંડને લઈ અમિત ચાવડાએ કર્યા પ્રહારો : કહ્યું- ચોકીદાર જ ચોર નીકળ્યા

દાહોદમાં મનરેગામાં કૌભાંડને લઈ અમિત ચાવડાએ કર્યા પ્રહારો
Published by: OBS Bureau
Last Updated: May 19, 2025, 12:46 PM IST


દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં કૌભાંડને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર-કૌભાંડ ચાલતું હોવા બાબતની સરકારને અનેક વખત લેખિત રજુઆતો કરવામાં આવી છે. ધાનપુર-દેવગઢ બારિયામાં અનેક ગામોમાં સ્થળ ઉપર કોઈપણ કામ કર્યા સિવાય બારોબાર લાખો રૂપિયાના એક એક ગામમાંથી બીલ બારોબાર ચૂકવાઈ ગયા હોવા બાબતના પુરાવા, સ્થાનિક લોકોની એફિડેવિટ સહિતની વિગતો સાથે અમારા દ્વારા સરકારને લેખિતમાં તપાસ માટે માંગણી કરવામાં આવીછે. તેમજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ સમગ્ર હકીકતો, પુરાવા અને મંત્રી બચુભાઈ ખાબડના પરિવારની સંડોવણીની તપાસ માટે માંગણી અનેક વખત કરવા છતાં સરકાર દ્વારા ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળમાં ધારાસભ્ય, પૂર્વ સંસદ સભ્ય સહિતના આગેવાનોએ સ્થળ તપાસ કરીને પણ વ્યાપક ભ્રષ્ટાચારના પ્રત્યક્ષ પુરાવા-હકીકતો મેળવી હતી.વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે ગત વિધાનસભાના સત્રમાં પણ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા સતત દાહોદના મનરેગા કૌભાંડની તપાસ અને મંત્રીના પરિવારની સંડોવણીનો મુદ્દો ઉઠાવતા સરકાર ઉપર દબાણ ઉભું થયું હતું. સરકાર દ્વારા જીલ્લા સ્તરે તપાસની કાર્યવાહી કરતા દેવગઢ બારિયા-ધાનપુર તાલુકાના થોડા જ ગામોની તપાસમાં 71 કરોડ કરતા વધુ રકમના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધવામાં આવી છે અને મંત્રી પુત્રો સહિતનાની ધરપકડ પણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે દાહોદ જીલ્લામાં ધાનપુર-દેવગઢ બારિયા તાલુકાની સાથે સાથે સંજેલી-ફતેપુરા-ઝાલોદ સહીત સમગ્ર જીલ્લામાં મનરેગા-નલ સે જલમાં ખુબ જ મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે અને ઘણા વર્ષોથી ચાલી રહ્યું હોવાની વ્યાપક રજુઆતો અને પુરાવા સાથેની ફરિયાદો મળી છે. તે અનુસંધાને 22મી મેના રોજ દાહોદ ખાતે રજૂઆતકર્તાઓને રૂબરૂ સાંભળવા અને વધુ હકીકતો જાણવા દાહોદ જઈશું.

તટસ્થ અને ન્યાયી તપાસ માટે સરકાર પાસે અમારી માંગણી છે કે...
- ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે રાજ્ય સરકાર રાજ્ય સ્તરના પ્રમાણિક-નિષ્ઠાવાન અધિકારીઓની SIT બનાવી સમગ્ર જીલ્લામાં કૌભાંડની તપાસ કરાવે.
- તટસ્થ તપાસ થાય તે માટે મંત્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક મંત્રીમંડળમાંથી દુર કરવામાં આવે.
- સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓ-અધિકારીઓને ત્યાં GST-ED-IT અને ACB મારફતે તપાસ કરાવવામાં આવે.
- સમગ્ર જીલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં થયેલ મનરેગાના કામોની તપાસ કરાવવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now