Home Gujarat Congratulations On The Demolition Of Chandola Lake But There Is Government Pressure On Only 36 Lakes In Ahmedabad

વિપક્ષના નેતાની રજૂઆત : ચંડોળા તળાવના ડિમોલેશન માટે અભિનંદન પણ અમદાવાદમાં 36 તળાવમાં જ સરકારી દબાણ છે જેને દૂર કરો

વિપક્ષના નેતાની રજૂઆત
Published by: OBS Bureau
Last Updated: May 23, 2025, 02:49 PM IST

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે 23 મેના રોજ મળેલી સામાન્ય સભામાં રાજ્યના સૌથી મોટા મેઘાણી એવા ચંડોળા તળાવના 10,000થી વધુ નાના-મોટા કાચા પાકા મકાનો પાડવા મામલે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ચંડોળા તળાવમાં પ્રથમ તબક્કામાં બાંગ્લાદેશીઓના મકાનો તોડી અને રાષ્ટ્રહિતમાં કરેલા કામને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવે છે પરંતુ, ચંડોળા તળાવમાં બીજા અનેક હિંદુ અને મુસ્લિમ સમાજના લોકોના મકાનો હતા, જે તોડી પાડવામાં આવ્યા છે. શહેરમાં 36 જેટલા તળાવો આવેલા છે જેમાં ખુદ સરકાર દ્વારા જ દબાણ કરવામાં આવ્યું છે. તળાવની જગ્યામાં સરકારી ઓફિસ અને ગોડાઉન બની ગયા છે.

સામાન્ય સભામાં મેયર અને કમિશનર સમક્ષ તેઓએ રજૂઆત કરી હતી કે, ચંડોળા તળાવમાં રહેતા ગરીબ અને રોજનું રોજ કમાઈને ખાતા ગરીબ લોકોના મકાનો તોડી પાડવામાં આવે છે પરંતુ, સરકાર પોતે જ તળાવની જગ્યામાં દબાણ કરી અને બાંધકામ કરી દે છે ત્યાં કેમ બુલડોઝર ફેરવવામાં આવતું નથી. શહેરમાં વટવા, નિકોલ, રાણીપ, ખોખરા, સૈજપુર, નરોડા, જજલપુર હાસોલ સહિતના અલગ-અલગ 36 જેટલા સરકારી જગ્યાના તળાવમાં સરકાર દ્વારા જ બાંધકામ કરી દેવામાં આવ્યું છે. આ સમગ્ર જગ્યાઓ અંગેનું લિસ્ટ કમિશનરને આપવામાં આવ્યું છે તળાવની જગ્યા કલેકટર હસ્તગત હોય છે પરંતુ, જો ચંડોળા તળાવમાં કોર્પોરેશન બાંધકામ તોડી પાડતું હોય તો આ જગ્યા ઉપર પણ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

વર્ષ 2021 અને 2023માં મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને પત્ર લખી અને જાણ કરી હતી કે, ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે કેટલાક લોકો દબાણ કરે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે છતાં પણ કમિશનર અને કલેક્ટર ચંડોળા તળાવના કબજા મુદ્દે એકબીજા ઉપર ઢોળતા હતા. જો ત્યારે આ બાબતને ગંભીરતાથી લીધી હોત તો અનેક ગેરકાયદેસર દબાણો દૂર થઈ ગયા હોત. ચંડોળા તળાવની જગ્યામાં વર્ષોથી ગરીબ લોકો પોતાના ઝુંપડા બનાવીને રહેતા હતા.  લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે તેઓને EWS આવાસ યોજનાના મકાનો આપવાનો નિર્ણય કરાયો છે પરંતુ, તેઓને 7,500 રૂપિયા ભરવાના છે અને ત્રણ લાખનું મકાન માટે 30,000 રૂપિયાનો હપ્તો મહિને ભરવો પડશે. જે મકાનો તોડવામાં આવ્યા છે તેની ઈંટો અને ઘરના પતરા વેચી અને રોજનું રોજ કમાઈને ખાતા ગરીબ લોકો કેવી રીતે 30,000નો મહિને હપ્તો ભરશે? જેથી તમામ આવાસ યોજનાના મકાન લેનારા લોકોને હપ્તો ઓછો કરી આપવાની માંગણી કરવામાં આવી હતી. ચંડોળા સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ તળાવની જગ્યામાં ક્યાંય પણ દબાણ હોવું જોઈએ નહીં ત્યારે આવા સરકારી તળાવમાં પણ બાંધકામો કરી દેવામાં આવ્યા છે તેને ક્યારેય દૂર કરવામાં આવશે.

વિપક્ષના નેતાએ સાબરમતી નદીની સફાઈને લઈને પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, વાસણા-શાસ્ત્રી બ્રિજની આજુબાજુ પણ ખૂબ મોટું ગંદકી અને નદીની સફાઈની જરૂરિયાત છે. કેટલીક જગ્યાએથી નદીની યોગ્ય રીતે સફાઈ પણ કરવામાં આવી નથી. નદીમાં હજી સુધી સફાઈ કરવામાં આવતી નથી. બ્રિજ નજીક કેમિકલવાળા પાણી આવે છે અને ત્યાં ઉતરી શકાય એવી સ્થિતિ નથી ત્યારે ત્યાં સફાઈ કરવી જરૂરી છે.  આજે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 પ્રવાસીઓને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવી હતી. પાકિસ્તાનના આતંકીઓ દ્વારા કરાયેલા આ કૃત્યને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેનાએ ઓપરેશન સિંદૂર મારફતે જડબાતોડ જવાબ આપ્યો હતો. જેને લઇને અભિનંદન ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now