Ebola Outbreak in Congo: આફ્રિકા ખંડના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ઇબોલા વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સંક્રમણના 1,873 કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે 672 લોકોના મોત થયા છે. વધતા જતા કેસોએ સ્વાસ્થ્ય એજન્સીઓની ચિંતા વધારી દીધી છે, ખાસ કરીને ત્યારે જ્યારે આ વાયરસ હવે સ્વાસ્થ્યકર્મીઓને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે.
પાંચ પ્રાંતોમાં ફેલાયો ઇબોલા, બે નવા વિસ્તારો પણ પ્રભાવિત
સ્વાસ્થ્ય અધિકારીઓના તાજા અહેવાલ મુજબ, ઇબોલા સંક્રમણ મુખ્યત્વે ઇતુરી, નોર્થ કીવુ, સાઉથ કીવુ, હાઉત-ઉએલે અને ત્શોપો (શોપો) પ્રાંતોમાં ફેલાઈ ચૂક્યું છે. હાઉત-ઉએલે અને ત્શોપોને પહેલીવાર રાષ્ટ્રીય સ્થિતિના અહેવાલમાં સામેલ કરવામાં આવ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નવા વિસ્તારોમાં મળેલા કેસ ઇતુરી પ્રાંતના સંક્રમણ કેન્દ્રથી લોકોની અવરજવર અને સંપર્કને કારણે જોડાયેલા છે.
હોસ્પિટલોમાં વધ્યું દબાણ, 95% બેડ ભરાયા
અહેવાલ અનુસાર, હાલમાં 763 દર્દીઓ હોસ્પિટલો અથવા આઇસોલેશન કેન્દ્રોમાં સારવાર હેઠળ છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સારવાર કેન્દ્રોમાં ઉપલબ્ધ 95.1 ટકા બેડ ભરાઈ ગયા છે. જોકે, અત્યાર સુધીમાં 306 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, પરંતુ 299 શંકાસ્પદ કેસોમાંથી 91 લોકોના મોત નોંધાયા છે.
એક અમેરિકન સહાયતા કર્મી પણ સંક્રમિત
ઇબોલા નિયંત્રણ અભિયાનમાં જોડાયેલા એક અમેરિકન માનવતાવાદી સહાયતા કર્મી સંક્રમિત હોવાનું જાણવા મળ્યા બાદ સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષાને લઈને નવી ચિંતા ઊભી થઈ છે. આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Africa CDC) એ જણાવ્યું કે, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ (Contact Tracing), રોગચાળા સંબંધી તપાસ અને સંક્રમણના જોખમનું મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે સંક્રમણ કઈ રીતે ફેલાયું.
રામ મંદિર ટ્રસ્ટે બહાર પાડી CEOની ભરતી : ઉંમરથી લઈને લાયકાત સુધી જાણો તમામ વિગતો
સ્વાસ્થ્યકર્મીઓ પણ બની રહ્યા છે ભોગ
આફ્રિકન યુનિયનની જાહેર સ્વાસ્થ્ય એજન્સીના જણાવ્યા અનુસાર, આ પ્રકોપ દરમિયાન અત્યાર સુધીમાં 112 સ્વાસ્થ્યકર્મીઓ ઇબોલાથી સંક્રમિત થયા છે, જ્યારે 35 સ્વાસ્થ્યકર્મીઓના મોત નીપજ્યા છે. સ્વાસ્થ્ય એજન્સીઓનું કહેવું છે કે ડોકટરો, નર્સો, સ્વયંસેવકો અને રાહતકર્મીઓ અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યા છે અને સંક્રમણની સાંકળ (ચેઈન) તોડવાના પ્રયાસોમાં લાગેલા છે.
શું છે ઇબોલા વાયરસ?
ઇબોલા એ એક ગંભીર અને મોટાભાગે જીવલેણ સાબિત થતી વાયરલ બીમારી છે, જે સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થોના (Liquids) સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે. તેના મુખ્ય લક્ષણોમાં સખત તાવ, નબળાઈ, ઉલ્ટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં શરીરની અંદર કે બહાર રક્તસ્ત્રાવ (Bleeding) થવો સામેલ છે.
કોંગોનો આ પ્રકોપ માત્ર સ્થાનિક સમસ્યા નથી. સરહદી અવરજવર, માનવ સ્થળાંતર અને વેપારને કારણે પડોશી દેશોમાં પણ ચેપ પહોંચવાનો ખતરો રહે છે. WHO અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દેખરેખ, સંપર્ક શોધ, લેબોરેટરી તપાસ અને સમુદાય જાગૃતિ માટે સતત સહાય આપી રહી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર દર્દીઓની ઓળખ, અસરકારક સારવાર, સુરક્ષિત દફનવિધિ અને લોકોમાં જાગૃતિ જ આ જીવલેણ રોગને કાબૂમાં લાવવાનો સૌથી અસરકારક માર્ગ છે. જો નિયંત્રણના પ્રયાસો વધુ મજબૂત નહીં બને તો પ્રકોપ વધુ વિસ્તારોમાં ફેલાવાનો ભય યથાવત છે.
ખાન સરને મોટી રાહત : કોચિંગ સેન્ટર ફાયરિંગ કેસમાં પટના કોર્ટમાંથી મળ્યા આગોતરા જામીન





