રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ અને તેના પડોશી દેશો વચ્ચેના સંઘર્ષ પછી, હવે પૂર્વ એશિયામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે. ત્યારે જાણવું જરૂરી છે કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સંઘર્ષનો મુદ્દો શું છે? આ તણાવ વચ્ચે અચાનક સંઘર્ષ કેમ ફાટી નીકળ્યો? શું આ સંઘર્ષ ભવિષ્યમાં યુદ્ધમાં ફેરવાઈ શકે છે?
સૌથી પહેલા જાણીએ - થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવનો મુદ્દો શું છે?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સમગ્ર વિવાદ એક સદી કરતાં વધુ જૂનો છે. હકીકતમાં, 1907 માં, જ્યારે કંબોડિયા ફ્રેન્ચ સામ્રાજ્ય હેઠળ હતું, ત્યારે સિયામ અને કંબોડિયા વચ્ચેની સીમાઓ નક્કી કરવામાં આવી હતી. જો કે, પાછળથી આ 817 કિમી લાંબી સરહદ પર વિવાદો શરૂ થયા. બંને દેશો વચ્ચેનો આ વિવાદ કેટલાક ઐતિહાસિક મંદિરોને લઈને વધુ ઉગ્ર બન્યો. બંને દેશોએ વૈશ્વિક નકશા પર થાઈલેન્ડ અને કંબોડિયાની સીમાઓને એકતરફી ગણાવવાનું શરૂ કર્યું. આખરે, બંને દેશોએ 1962 માં સરહદ વિવાદ અને મંદિરો પરના અધિકારોનો મુદ્દો ઈન્ટરનેશનલ કોર્ટમાં લઈ ગયા. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસે નિર્ણય લીધો કે 11મી સદીનું પ્રીહ વિહાર મંદિર કંબોડિયાનું છે. એટલે કે, તેને થાઈલેન્ડના કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવ્યું. નિર્ણય પછી થાઈલેન્ડે આ મંદિર પરના પોતાના અધિકારો છોડી દીધા. જો કે, તેણે આસપાસના વિસ્તાર પર પોતાની પહોંચ અને દાવો બંને જાળવી રાખ્યો.
2008 માં, જ્યારે કંબોડિયાએ પ્રિહ વિહાર ઐતિહાસિક મંદિરને યુનેસ્કોની વૈશ્વિક ધરોહરમાં સમાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ સમગ્ર સંઘર્ષ ફરી ભડક્યો. થાઇલેન્ડે તેનો સખત વિરોધ કર્યો અને બંને દેશો વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો. જેમાં 20 લોકો માર્યા ગયા, જ્યારે સરહદની આસપાસ રહેતા હજારો લોકો બેઘર થઈ ગયા.
આ સંઘર્ષનાં થોડા સમય બાદ કંબોડિયાએ ફરીથી ઇન્ટરનેશનલ કોર્ટમાં શરણ માંગી. આંતરરાષ્ટ્રીય કોર્ટે ફરીથી કંબોડિયાની તરફેણમાં ચુકાદો આપ્યો. જોકે, આ વખતે પણ કોર્ટે વિવાદિત વિસ્તારો અંગે કોઈ નિર્ણય આપ્યો ન હતો. બીજી તરફ, થાઇલેન્ડે ઈન્ટરનેશનલ કોર્ટના અધિકારક્ષેત્રને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે 2013 થી, બંને દેશો વચ્ચેનો તણાવ કંઈક અંશે ઓછો થયો હતો. પણ આ દરમિયાન કંબોડિયાએ તેના દેશમાં થાઈ ફિલ્મો અને ટીવી શો પર પ્રતિબંધ મૂક્યો. ઉપરાંત, પાડોશી દેશમાંથી ઇંધણ, ફળો અને શાકભાજીની આયાત બંધ કરવામાં આવી હતી. એટલું જ નહીં, કંબોડિયાએ ઇન્ટરનેટ અને ઉર્જા ક્ષેત્રમાં પણ થાઇલેન્ડનો બહિષ્કાર કર્યો.
થાઇલેન્ડ-કંબોડિયા સંઘર્ષ કેવી રીતે હિંસક બન્યો?
આમ બંને દેશ વચ્ચે તો ભારેલા અગ્નિ જેવી સ્થિતી પહેલાથી જ હતી... 24 જુલાઈ 2025 ને ગુરુવારે, જ્યારે કંબોડિયા થાઈલેન્ડ વિરુદ્ધ નિર્ણયો લઈ રહ્યું હતું, ત્યારે સમાચાર આવ્યા કે આ દેશોની સરહદ પર સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. આ વખતે સંઘર્ષનું કેન્દ્ર 1000 વર્ષથી વધુ જૂનું હિન્દુ મંદિર 'પ્રસાત તા મુએન થોમ' હતું. બંને પક્ષોએ એકબીજા પર પહેલા ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો. અહેવાલો અનુસાર, પ્રથમ ફાયરિંગ સવારે 8 વાગ્યા આસપાસ મંદિરથી 200 મીટર પૂર્વમાં થયુ હતુ.
હવે જાણીએ કે બંને દેશો વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર બનેલા 'પ્રસાત તા મુએન થોમ' મંદિરનું ઐતિહાસિક મહત્વ શું છે?
થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ નજીક આવેલું આ મંદિર ભગવાન શિવનું પૌરાણિક મંદિર છે. મંદિર ડાંગ્રેક પહાડીઓમાં આવેલું છે. તેને બનાવવાનો શ્રેય ખમર શાસક રાજા ઉદયઆદિત્યવર્મન દ્રિતિય ને આપવામાં આવે છે. આ મંદિરમાં કુદરતી ખડકમાંથી બનેલું શિવલિંગ પણ છે. ઇતિહાસકારોના મતે, આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. એટલે કે, આ મંદિર તેના સમયનું સૌથી જૂનું છે.
આ મંદિરના સ્થાનને કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષ થયો છે. વાસ્તવમાં, બંને દેશોની સરહદ નજીક આ મંદિર સ્થિત છે તે જગ્યા પર દાવો કરે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, જ્યારે કંબોડિયન સૈનિકોએ અહીં રાષ્ટ્રગીત ગાયું હતું, ત્યારે થાઈ સૈનિકો તેમની સામે આવ્યા હતા. બાદમાં, બંને પક્ષો વચ્ચે ભીષણ શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. માત્ર પ્રસાત તા મુએન થોમ મંદિર જ નહીં, પરંતુ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે પ્રીહ વિહાર, તા મુએન થોમ અને તા મોન થોમ મંદિરો પર પણ સંઘર્ષ થયો છે.
આ સમગ્ર મામલે થાઈલેન્ડ શું કહે છે?
થાઈ સૈનિકો કહે છે કે તેઓએ પહેલા કેટલાક ડ્રોનનો અવાજ સાંભળ્યો અને પછી તેઓએ છ સશસ્ત્ર કંબોડિયન સૈનિકો જોયા. ત્યારથી, વિવાદિત સરહદ નજીક છ સ્થળોએ સંઘર્ષના અહેવાલો છે. થાઈ સેના કહે છે કે તેઓનાં 11 નાગરિકો મૃત્યુ પામ્યા છે, જ્યારે કેટલાક અન્ય ઘાયલ થયા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કંબોડિયન સેનાએ થાઈલેન્ડના સુરિન પ્રાંતમાં સવારે 9.40 વાગ્યે બે BM-21 રોકેટ છોડ્યા હતા. આ પછી, 86 પ્રાંતોમાંથી 40,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
આ તો થઈ થાઈલેન્ડની વાત, પણ કંબોડિયાએ શું વલણ અપનાવ્યું એ પણ જાણવું જરૂરી છે.
કંબોડિયાએ કહ્યું છે કે થાઇલેન્ડે તેના બે પ્રાંતો પર ગોળીબાર કર્યો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે સવારે લગભગ 8.46 વાગ્યે, થાઇ સેનાએ તેના ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને કંબોડિયન સૈનિકો પર ગોળીબાર કર્યો. કંબોડિયાનો આરોપ છે કે આ દરમિયાન થાઇલેન્ડે ફાઇટર જેટથી વાટ કેઓ સિક્ખા કિરિસવારા નજીકના રસ્તા પર બોમ્બ પણ ફેંક્યા હતા. અને સુરક્ષા માટે કંબોડિયન સેનાની એક ટુકડી આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. થાઇલેન્ડ દ્વારા સરહદ પર F-16 ફાઇટર જેટ વડે કંબોડિયાના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા ના અહેવાલો પણ હતા. તો રોયલ થાઇ એરફોર્સે પણ તમામ વિમાનોના સુરક્ષિત પાછા ફરવાની પુષ્ટિ કરી છે.
થાઇલેન્ડ-કંબોડિયા સંઘર્ષ યુદ્ધમાં ફેરવાય તેવી શક્યતા કેટલી છે?
આંતરરાષ્ટ્રીય મામલાનાં વિશેષજ્ઞો માને છે કે "થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ યુદ્ધમાં ફેરવાય તેવી શક્યતા ખૂબ ઓછી છે. સ્થાનિક નિષ્ણાતોના મતે, બંને દેશો વચ્ચે ગોળીબારની ઘટનાઓ પહેલા પણ બની છે, પરંતુ પછી આવા મામલાઓ શાંત થઈ જતા હતા. જોકે, તાજેતરના ભૂતકાળમાં થાઇલેન્ડમાં વધતા રાષ્ટ્રવાદને કારણે, રાજકીય સ્તરે પણ સરહદ વિવાદ પર કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે."
એક ફોન કોલ, જેના કારણે થાઇલેન્ડના પીએમની ખુરશી પર જોખમ આવ્યું ?
આ વર્ષે જૂનમાં, થાઇલેન્ડના પીએમ પેટોંગટાર્ન શિનાવાત્રા દ્વારા કંબોડિયાના પીએમ હુઆ માનેત ના પિતા હુન સેનને કરવામાં આવેલો ફોન કોલ ખુબ ચર્ચામાં આવ્યો હતો. ખરેખર, આ ફોન કોલ હુન સેને પોતે લીક કર્યો હતો. જેને કારણે વિવાદ વધતા શિનાવાત્રા પોતાના દેશમાં જ ટીકાનું પાત્ર બન્યા અને તેમણે પીએમ પદેથી રાજીનામું આપવું પડ્યું.
કંબોડિયાના પીએમ અને થાઈલેન્ડના પીએમના પરિવારો લાંબા સમયથી પોતપોતાના દેશોમાં રાજકારણમાં વર્ચસ્વ ધરાવે છે. આ બંને પરિવારો એકબીજાના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. જોકે, એક ફોન કોલ લીક થયા બાદ, શિનાવાત્રાને પીએમ પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ મહિને બંધારણીય અદાલત દ્વારા શિનાવાત્રાને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સ્થાનિક વિશ્લેષકોના મતે, આ પછી, થાઈલેન્ડની સરકારને ડર છે કે લોકો તેના વિશે નકારાત્મક વિચારી રહ્યા છે.
જ્યારે કંબોડિયન લેન્ડમાઈન્સને કારણે કેટલાક થાઈ સૈનિકો ઘાયલ થયા હતા, ત્યારે વડાપ્રધાન શિનાવાત્રા દબાણ હેઠળ જોવા મળ્યા હતા. સિંગાપોરના થિંક ટેન્ક ISEAS-યુસુફ ઇશાક ઇન્સ્ટિટ્યૂટના ડિપ્લોમેટ અને એસોસિયેટ ફેલો ટીટા સાંગલી ના મતે "આ ઘટના પછી બંને પક્ષો તરફથી પોતાને સંયમિત રાખવાનો વિકલ્પ રહ્યો ન હતો અને જનતાનો વિશ્વાસ જીતવા માટે બદલો લેવાનીસ કાર્યવાહીને વિકલ્પ બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, આ તણાવ ટૂંક સમયમાં સમાપ્ત થાય એવી શક્યતા ખૂબ ઓછી છે."
અન્ય એક વિશ્લેષકના મતે, "કંબોડિયાના વર્તમાન વડા પ્રધાન 'હુઆ માનેત'ના પિતા હુન સેન આ સંઘર્ષને રાજકીય સ્તરે તેમના પુત્રને મજબૂત બનાવવાની તક તરીકે જોઈ રહ્યા છે. હુઆ માનેત કંબોડિયામાં તેમના પિતાના ઓછાયામાંથી બહાર આવી શક્યા નથી. આવી સ્થિતિમાં, હુઆ સેન હવે તેમના પુત્રને યુદ્ધકાલિન નેતા તરીકે પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."
થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી
થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસે શુક્રવારે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી. જેમાં ભારતીયોને થાઇલેન્ડ-કંબોડિયા સરહદ પર ચાલી રહેલા સંઘર્ષને કારણે થાઇલેન્ડના સાત પ્રાંતોમાં મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી. ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં લખ્યું, 'થાઇલેન્ડ-કંબોડિયા સરહદ પરની પરિસ્થિતિને જોતાં, થાઇલેન્ડની મુસાફરી કરતા તમામ ભારતીય મુસાફરોને TAT ન્યૂઝરૂમ સહિત થાઇ અધિકારીઓ પાસેથી અપડેટ્સ મેળવતા રહેવાની સલાહ આપવામાં આવે છે.' દૂતાવાસે થાઇલેન્ડના ટુરિઝમ વિભાગ દ્વારા જારી કરાયેલા સ્થળોની યાદી પણ પોસ્ટ કરી છે, જ્યાં મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે શરૂ થયેલા સંઘર્ષનાં કારણે સદીઓ જૂના હિંદુ મંદિરો અને બૌદ્ધ વિહારોને મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરીને મુએન થોમ અને પ્રીહ વિહાર મંદિરોની આસપાસના સાંસ્કૃતિક ધરોહરોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે આશા રાખીએ કે આ વિવાદનો ઝડપથી અંત આવે.






