Home Gujarat Concern In Bharuch District Over Release Of Water From Sardar Sarovar Da

સરદાર સરોવર ડેમનું પાણી છોડતા ભરૂચ જિલ્લામાં ચિંતા : નદીના કાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના

સરદાર સરોવર ડેમનું પાણી છોડતા ભરૂચ જિલ્લામાં ચિંતા
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 07:15 AM IST

સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમના 15 દરવાજા 3.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદીમાં 3.95 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું છે. પાણી છોડાવાના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને ગોલ્ડન બ્રીજ ખાતે નદીનું સ્તર આજે વહેલી સવારે 20 ફૂટે પહોંચી ગયું છે. આ સ્તર ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ ઓછું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નદીનું સ્તર વધીને 22 ફૂટ સુધી જઈ શકે તેવી શક્યતા રહેલી છે.

જળસ્તરમાં સતત વધારો થતાં ભરૂચ જિલ્લામાં ચિંતાની લાગણી વ્યાપી છે. નદીના કાંઠે વસવાટ કરતા લોકોને તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ શહેરમાં માઇક દ્વારા જાહેરાત કરીને નદીના પટમાં અથવા કિનારે રહેતા લોકોને તાકીદ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમો તૈનાત રાખવામાં આવી છે અને સતત જળસ્તરની મોનિટરિંગ થઈ રહી છે. નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોની અવરજવર રોકવા સૂચના અપાઈ છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવક રહેતાં આગામી કલાકોમાં નદી ભયજનક સપાટી વટાવી શકે છે. હાલ તંત્ર લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે અપીલ કરી રહ્યું છે, સાથે જ સુરક્ષાના પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now