Home Gujarat Complaint Filed Against Brothers Of Wife For Attacking Husband And Father In Law

સાળાઓ સામે ફરિયાદ : બહેનના સસરા અને પતિ પર કર્યો હુમલો

સાળાઓ સામે ફરિયાદ
Published by: OBS Bureau
Last Updated: Apr 17, 2025, 05:55 PM IST

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક સસરાએ પુત્રવધુના બંને ભાઈઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. નારોલમાં ગર્ભવતી પત્નીને લેવા પતિ અને સસરા તેના ઘરે ગયા હતા. ત્યારે પરિણીતાના બંને ભાઇઓએ તમે મારી બહેનને સારી રીતે રાખતા નથી તેમ કહીને ઝઘડો કરીને બનેવી અને તેના પિતા પર ટિફિન અને દંડાથી હુમલો કરી લોહિલુહાણ કર્યા હતા. આ અંગે સસરાએ પુત્રવધુના બંને ભાઇ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો રામોલમાં રહેતા યુસુફભાઇ શેખ ગેરેજનો ધંધો કરે છે. તેમના મોટા પુત્ર ફુરકાનની દોઢ વર્ષ પહેલા નારોલની સબાનાબાનુ મીર સાથે લગ્ન થયા હતા. જેમાં તે ગર્ભવતી છે. ગત 15 એપ્રિલે પતિ અને સસરા યુસુફભાઇ સબાનાબાનુને લેવા તેના ઘરે ગયા હતા. ત્યારે સબાનાબાનુ, તેના પિતા સઉદભાઇ, તેના બે ભાઇ સરતાજ અને પરવેઝ ઘરે હાજર હતા. ત્યારે બંને પરિવારો વચ્ચે વાતચીત ચાલતી હતી. તે સમયે સરતાજે યુસુફભાઇને તમે મારી બહેનને સારી રીતે રાખતા નથી અને ગત 1 એપ્રિલે અમારા ઘરે મૂકી ગયા છો હવે શુ કરવા આવ્યા છો કહીને બંને ભાઇઓએ બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. જેથી યુસુફભાઇ અને ફુરકાન ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારે બંને સાળાઓએ બનેવી અને તેના પિતાને ટિફીન અને દંડાથી ફટકારતા લોહિલુહાણ થઇ ગયા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને બંનેને છોડાવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવાર અર્થે હોસ્પિટલમાં ગયા હતા. આ અંગે યુસુફભાઇએ બંને શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now