રાજ્યભરમાં હજી પણ કડકડતી ઠંડીનો અહેસાસ યથાવત રહેવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. ઉત્તરથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે. આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ 14 ડિસેમ્બર સુધી મોટાભાગે સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં શીતલહેર જેવી ઠંડીનો અહેસાસ લોકો અનુભવતા રહેશે.
અમદાવાદમાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં નલિયા 8.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. કંડલા એરપોર્ટમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી, ગાંધીનગરમાં 12.6 ડિગ્રી અને ડીસામાં 12.4 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં 12.8 ડિગ્રી, સુરતમાં 14.8 ડિગ્રી અને દમણમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કંડલા પોર્ટમાં 14.5 ડિગ્રી તાપમાન
ભુજ અને કંડલા પોર્ટમાં 14.5 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઠંડીની આ અસરને કારણે નાગરિકોને સાવચેતી રાખવાની અને ખાસ કરીને સવારના સમયે ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.






