Home Gujarat Coal Transporters Strike At Kandla Tuna Port

કંડલા–તુણા પોર્ટ પર કોલસા ટ્રાન્સપોર્ટરોની હડતાલ : પાર્કિંગ અને કાંટાની સમસ્યાથી કંટાળેલા ટ્રાન્સપોર્ટરો રસ્તા પર ઉતર્યા

કંડલા–તુણા પોર્ટ પર કોલસા ટ્રાન્સપોર્ટરોની હડતાલ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 09:52 AM IST

Kandla Tuna Port Coal Transporter strike: કંડલા અને તુણા પોર્ટ પરથી આંતરરાજ્ય કોલસાનું પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરો આજે હડતાલ પર ઉતરી આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી વિવિધ સમસ્યાઓ અને પ્રશાસન દ્વારા કોઈ ઉકેલ ન આવતાં ટ્રાન્સપોર્ટરોએ સ્વૈચ્છિક રીતે આજથી લોડિંગ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ હડતાલના કારણે પોર્ટની કામગીરી પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રાન્સપોર્ટરોએ વધુમાં જણાવ્યું હતું કે કંડલા-તુણા પોર્ટ વિસ્તારમાં કાંટા પર વાહનોની લાંબી કતારો રહેતી હોવાથી કલાકો સુધી ટ્રક ઉભા રાખવા પડે છે. ઉપરાંત પૂરતું પાર્કિંગ ન હોવાથી ટ્રકો રસ્તા પર ઉભા રહે છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે. આ સ્થિતિમાં ડીઝલ ખર્ચ, સમય બરબાદી અને દંડ જેવા ખર્ચોથી ટ્રાન્સપોર્ટરો આર્થિક રીતે પાયમાલીના આરે પહોંચી ગયા છે.

ગાંધીધામની ત્રણ મુખ્ય એસોસિએશનોનો એકસૂરો નિર્ણય

ગાંધીધામ સ્થિત ત્રણ મુખ્ય ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ એકસૂરે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમની ન્યાયસંગત માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ ટ્રક લોડિંગ માટે પોર્ટમાં નહીં મોકલવામાં આવે. એસોસિએશનોએ જણાવ્યું કે આ નિર્ણય કોઈ દબાણ વગર સ્વૈચ્છિક રીતે લેવામાં આવ્યો છે અને તેમાં તમામ કોલસા ટ્રાન્સપોર્ટરોનો સહકાર છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે કાંટાની અછત, લોડિંગમાં વિલંબ, પાર્કિંગ વ્યવસ્થાની કમી અને પ્રશાસનની ઉદાસીનતા જેવા મુદ્દાઓ વર્ષોથી પડતર છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે અંતે હડતાલનો રસ્તો અપનાવવો પડ્યો છે.

પોર્ટ કામગીરી અને ઉદ્યોગોને અસર થવાની શક્યતા

હડતાલના કારણે કંડલા અને તુણા પોર્ટ પરથી કોલસાનું લોડિંગ સંપૂર્ણ રીતે ઠપ્પ થવાની શક્યતા છે. કોલસા આધારિત ઉદ્યોગો, પાવર પ્લાન્ટ અને અન્ય વ્યવસાયોને તેનો સીધો અસર થવાની શક્યતા છે. જો હડતાલ લાંબી ચાલશે તો સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે. ટ્રાન્સપોર્ટરોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી પ્રશાસન દ્વારા કાંટા અને પાર્કિંગ સહિતની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. આગામી દિવસોમાં પ્રશાસન સાથે ચર્ચા થવાની શક્યતા છે, પરંતુ હાલ પરિસ્થિતિ તંગ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now