Chief Minister Bhupendra Patel visited Kutch: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતે રણોત્સવની ક્રાફ્ટ બજાર, સખી ક્રાફ્ટ અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત થીમ પેવેલિયનની મુલાકાત લઈને કચ્છી સંસ્કૃતિ, વિરાસત અને અદ્ભુત હસ્તકલાને નજીકથી નિહાળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો સાથે સીધો સંવાદ સાધીને તેમના ઉત્સાહ અને કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યો હતું. મુખ્યમંત્રીએ ક્રાફ્ટ બજારના વિવિધ સ્ટોલની રસપૂર્વક મુલાકાત લીધી હતી, જ્યાં કારીગરોની અદભુત કલાકારીગરીનું જીવંત નિદર્શન નિહાળ્યું હતું. તેમણે રેઝિન આર્ટ, અઝરખ વર્ક, કચ્છી વર્ક, બાંધણી વર્ક, રોગાન આર્ટ અને સેલ વર્કના કારીગરો પાસેથી તેમની કલાત્મક કૃતિઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. કચ્છી શાલના કલા કારીગરોએ તેમનું સન્માન કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ કારીગરોની મહેનત અને કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યા હતા.
ગુજરાત ટુરિઝમના થીમ પેવેલિયનમાં સંસ્કૃતિ અને વિકાસનું પ્રદર્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટુરિઝમ દ્વારા રણોત્સવ ખાતે નિર્માણ કરાયેલા થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી, જ્યાં ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, રાજવી વિરાસત અને ઔદ્યોગિક વિકાસની વિગતો પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે સોમનાથ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર જેવા મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળો, તેમજ સુંદર દરિયાકાંઠાઓની ઝલક નિહાળી હતી. ઉપરાંત, માધવપુર મેળો, રણ ઉત્સવ, કાઈટ ફેસ્ટિવલ જેવા રાજ્યના ઉત્સવો અને ધોળાવીરા, સીદી સૈયદની જાળી જેવી યુનેસ્કોની સાઇટ્સનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ ઉપરાંત, પેવેલિયનમાં પ્રદર્શિત રોગાન આર્ટ, કોપરબેલ, મુતવા લીપણ આર્ટ, અઝરખ વર્ક જેવી હસ્તકલાઓના કારીગરોએ તેમની કલાનું જીવંત પ્રદર્શન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઢોલક, રાવણહથ્થો, જોડિયા પાવા જેવા પરંપરાગત વાજિંત્રોની માહિતીમાં રસ દાખવ્યો હતો. તેઓએ શહેર વિકાસના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને પરંપરાગત ગુજરાતી વ્યંજનોની માહિતી મેળવી હતી.
હર ઘર સ્વદેશી' યોજનાનું પ્રોત્સાહન
'હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી' અંતર્ગત સખી ક્રાફ્ટ બજારના ડોમમાં મુખ્યમંત્રીએ ગુજરાત સહિત ભારતભરની સંસ્કૃતિ, વિરાસત અને હસ્તકલાને દર્શાવતી વિવિધ વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી. તેમણે રાજસ્થાનનું લાખ વર્ક, કલકત્તાનું પટ્ટ ચિત્ર, તેમજ કચ્છી વર્કનું જીવંત નિદર્શન નિહાળ્યું હતું. સખી મંડળની બહેનોએ લોકગીત રજૂ કર્યું હતું તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, મુખ્યમંત્રીએ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત લખપતિ દીદી પેવેલિયનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે આત્મનિર્ભર બનીને આત્મસન્માનની ઉડાન ભરનાર રાજ્યભરની લખપતિ દીદીઓ વિશેની વિગતવાર જાણકારી પ્રાપ્ત કરી હતી. તેઓએ સખી ડોમમાં હસ્તકલા, બાટીક, મેટલ વર્ક, ચાંદીના ઘરેણાં, પટોળા, બાંધણી, મડ વર્ક, આલેખ-ચિતર, ભરતકામ, મોતીભરત, કટાવ કામ, ક્રોસિઓ આઇટમ, ફેબ્રિક આર્ટ પેઇન્ટિંગ અને એમ્બ્રોઈડરી વર્ક સહિતના વિવિધ હેન્ડીક્રાફ્ટના પ્રદર્શનો નિહાળી મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જ્વેલરી વર્ક, લેધર વર્ક, રમોતી વર્ક તેમજ લાઈવ બ્લોક પ્રિન્ટ સહિતના આર્ટ વર્ક વિશે પણ રસપૂર્વક માહિતી મેળવી હતી.






