Home Gujarat Cm Bhupendra Patel Message To The Public On The 79th Independence Day

''ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે'' : 79માં સ્વાતંત્ર્ય પર્વ પર CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

''ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે''
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 01:15 PM IST

india 79th independence day : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે. આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ બન્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા હતા.

 

તેમણે કહ્યું કે, ''સ્વતંત્રતાના 79માં પર્વની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યા છીએ. આજે આપણો દેશ વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યો છે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. તેના પાયામાં પોતાના લોહી-પરસેવાથી આઝાદીનું વટવૃક્ષ સિંચનારા ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાન પડેલા છે. ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરીને બ્રિટીશરોની લાઠી-ગોળી ખાનારા એ સૌ પુણ્યાત્માઓને આજે નત મસ્તક વંદન કરવાનો પણ અવસર છે. રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે હોય અને સ્વનું નહીં સમસ્તનું ભલું કરવાની પ્રતિબદ્ધતા હોય તો અસરકારક પરિણામો મેળવી શકાય છે. ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશીપમાં ઓપરેશન સિંદુરની સફળતાથી દુનિયાને એ બતાવ્યું છે.''

 

''કાંકરી ચાળો ભારતમાં ચાલશે નહીં''

મુખ્યમંત્રીએ કહ્યું કે, ''આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરી ચાળો ભારતમાં ચાલશે નહીં એવો સાફ સંકેત વડાપ્રધાનએ દુનિયાને આપી દીધો છે. ગુજરાતમાં આપણે ગામેગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે. ભાઈઓ બહેનો, આ વર્ષનું સ્વતંત્રતા પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે. 1960માં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા આપણા ગુજરાતના 75 વર્ષ એક દાયકા પછી એટલે કે 2035માં થવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની જે ભવ્ય ઇમારત રચી છે તેને ગુજરાત @ 75માં વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો આપણો સંકલ્પ છે. ભારતની આઝાદીના 100 વર્ષ 2047માં પુરા થાય અને દેશ સ્વતંત્રતાની શતાબ્દી ઉજવે તે પહેલાં ગુજરાતને તો આ એક મોટો અવસર મળવાનો છે.

 

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ''વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સૌના કલ્યાણ, સૌના વિકાસ અને સૌની સુખ-સમૃદ્ધિની નેમ રાખી છે. આપણે વિકાસના લાભ છેવાડાના, અંત્યોદય, ગરીબ માનવી સુધી 100 ટકા પહોંચે તે સેચ્યુરેશન એપ્રોચથી સુનિશ્ચિત કર્યું છે. સાથો સાથ આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક આધાર પણ સૌને મળે તેવી અનેક જનકલ્યાણ યોજનાઓ-નિર્ણયો કર્યા છે. એટલું જ નહિ, રાજ્યની ઉજ્જવળ આવતીકાલ માટે દીકરીઓના અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે. સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાંઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર પૂરો પાડીએ છીએ. કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી લઈને વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, દરેકે દરેક ક્ષેત્રોમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે. વડાપ્રધાનએ આપેલા રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ સૂત્રને ગુજરાતમાં ભલીભાંતિ ચરિતાર્થ કર્યું છે. પોલિસી ડ્રિવન સ્ટેટ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સની ગુજરાતની ઈમેજને સમય અનુરૂપ પોલીસી રીફોર્મ્સ તથા સમયાનુકૂળ પોલીસી ફ્રેમવર્કથી વધુ ઉજળી બનાવી છે''.

 

ટી.બી. મુક્ત અને મેદસ્વિતા મુક્ત માટે ઝુંબેશ

તેમણે કહ્યું કે, ''સૌને માથે પાકી આવાસ છત માટે વડાપ્રધાનએ પ્રધાનમંત્રી આવાસ યોજના આપી છે. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 9 લાખ અને ગ્રામીણ ક્ષેત્રમાં 2 લાખ 20 હજાર જેટલા આવાસો PMAY માં બનાવીને જરૂરતમંદ લોકોને પાકા આવાસ આપ્યા છે. 76 લાખ અંત્યોદય પરિવારોના કુલ 3 કરોડ 26 લાખ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપીએ છીએ. આદરણીય વડાપ્રધાનએ દેશના દરેક નાગરિકના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે. યોગ અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને કોઈને બીમારી ન જ આવે તેવી તેમનો ધ્યેય છે. પરંતુ આમ છતાં પણ જો કોઈ પરિવારમાં બીમારી આવે, ગંભીર રોગ થાય તો PMJAY આયુષ્યમાન કાર્ડથી સરકાર તેમની સારવાર માટે પડખે ઊભી છે. ગુજરાતમાં 2 કરોડ 90 લાખ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે અને લાખો પરિવારો કેશલેસ સારવારનો લાભ મેળવે છે. ટી.બી. મુક્ત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે પણ સઘન જનજાગૃતિ ઝુંબેશ ઉપાડી છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now