બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા ચાલી રહી છે. રેલી સીતામઢીથી દરભંગા પહોંચી હતી, જ્યાં PM મોદીની માતા પર એક વ્યક્તિ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હતા. જેના પગલે ભાજપ નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ''કોંગ્રેસ અને આરજેડીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૂજ્ય માતા અંગે જે અભદ્ર અને અનૈતિક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો, તે અત્યંત નિંદનીય અને અસહ્ય છે''.
''બિહાર અને દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરે''
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ''આવી ભાષા દ્વારા કોંગ્રેસ અને આરજેડી એ રાજનૈતિક મૂલ્યો અને મર્યાદાઓ પર કુઠારાઘાત કર્યો છે. આ માત્ર વડાપ્રધાનના સ્વર્ગીય માતાનું નહીં, પણ દેશની સૌ માતૃશક્તિનું અપમાન છે. આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે, અને 140 કરોડ દેશવાસીઓની લાગણી પર કરાયેલો પ્રહાર છે. બિહાર અને દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરે. ભારતની જનશક્તિ આ અવિવેકી કૂકૃત્યનો કઠોર જવાબ આપશે''.
''લાગણી સંવેદના પર કુઠારાઘાત સમાન છે''
તેમણે કહ્યું કે, ''રાહુલ ગાંધીના નેનૃત્વમાં કોંગ્રેસની માનસિક્તા કેટલી હદે નીચલા સ્તરે પહોંચી ગઈ છે, તે આ અશોભનિય નિવેદન બાદ છતું થઈ ગયું છે. એક સાધારણ ગરબી પરિવારની મા એક સંઘર્ષ વેઠીને પણ પોતાના પુત્રના સંસ્કારનું સિચન કરીને રાષ્ટ્રને નરેન્દ્રભાઈ જેવા રાષ્ટ્રને સમર્પિત સક્ષમ નેનૃત્વ આપ્યું છે. આવા રાષ્ટ્રભક્તના જન્મદાતા સ્વર્ગસ્થ માતૃને માટે જે ભાષાનો પ્રયોગ થયો છે, તે 140 કરોડ ભારતવાસીઓની લાગણી સંવેદના પર કુઠરાઘાત સમાન છે''.






