Stray dog circular controversy: ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક પરિપત્રે મોટો વિવાદ ઊભો કર્યો છે. આ પરિપત્રમાં ગ્રામ્ય વિસ્તારોમાં રખડતાં કૂતરા તેમજ અન્ય પશુઓને પકડીને તેમનો “માનવીય રીતે નિકાલ” કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીઓને સો સોંપવામાં આવી છે. આ પરિપત્ર સામે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે આકરો વિરોધ નોંધાવ્યો છે. મહામંડળના પ્રમુખ રાજભાઈ દેસાઈ તથા મહામંત્રી પંકજ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડને સંબોધીને પત્ર લખી આ પરિપત્ર તાત્કાલિક રદ કરવાની માગ કરી છે.
મહામંડળના પત્રમાં જણાવાયું છે કે: તલાટી-મંત્રીનું મુખ્ય કામ મહેસૂલી રેકોર્ડ જાળવવું, ચૂંટણી કામગીરી, જન્મ-મૃત્યુ નોંધણી, સરકારી યોજનાઓનો અમલ વગેરે છે. કૂતરા પકડવા જેવું જોખમી અને અમાનવીય કાર્ય તેમના કામના અવકાશમાં આવતું નથી.
રખડતાં કૂતરા પકડવા ખાસ તાલીમ પામેલા પ્રાણી કલ્યાણ કર્મીઓ કે પાલિકાના સ્ટાફની ટીમ હોવી જોઈએ, એકલા તલાટીને આ કામ સોંપવું હાંસીખોર અને જીવલેણ છે.
આવું કામ કરાવવાથી તલાટીઓ પર શારીરિક-માનસિક ત્રાસ તેમજ કૂતરા કરડવાનું જોખમ ઊભું થશે.
આ પરિપત્રથી તલાટીઓમાં ભારે રોષ ફેલાયો છે અને જો તે રદ નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
માત્ર તલાટીઓ પર જવાબદારી ઢોળવી નહીં
મહામંડળે આ પરિપત્રને હાંસીપાત્ર અને અવ્યવહારુ ગણાવ્યો છે અને જણાવ્યું છે કે રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા માટે સરકારે પ્રાણી જન્મ નિયંત્રણ (ABC – Animal Birth Control) કાર્યક્રમને વેગ આપવો જોઈએ, માત્ર તલાટીઓ પર જવાબદારી ઢોળવી નહીં. હાલ આ મુદ્દો ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તલાટી મહામંડળે સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ આ પરિપત્ર હેઠળ રખડતાં કૂતરા પકડવાનું કામ કરશે નહીં. આવી સ્થિતિએ સરકાર હવે આ પરિપત્ર પરત ખેંચે છે કે વિવાદ વધુ ચગે છે, એ જોવાનું રહેશે.






