logo-img
Circular Issued To Teachers To Count Stray Dogs

રખડતા શ્વાનની ગણતરી કરવા શિક્ષકોને કરાયો પરિપત્ર! : કોંગ્રેસે કહ્યું કે, 'શૌચાલયોની ગણતરી, ભીડ ભેગી કરવી, શ્વાન ગણતરી, આ બધુ શિક્ષકો કરશે તો વિદ્યાર્થીઓનું શુ થશે?'

રખડતા શ્વાનની ગણતરી કરવા શિક્ષકોને કરાયો પરિપત્ર!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 12, 2026, 02:02 PM IST

ગુજરાતમાં શિક્ષકોને રખડતા શ્વાનોની ગણતરી કરવાની ફરજ સોંપાતા વિવાદ ઊભો થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર પાઠવી સુપ્રીમ કોર્ટના આદેશોના અનુસંધાને સંસ્થાઓમાં રહેલા શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. જે પત્રમાં લખ્યું છે કે, સુઆ મોટા પટિશન સંબંધિત આદેશો મુજબ જાહેર સુરક્ષા બાબતે હોસ્પિટલો, દવાખાનાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવી સંસ્થાઓમાં શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી ઉપલબ્ધ રાખવી અનિવાર્ય ગણાવવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્રમાં શું આદેશ અપાયા?

પરિપત્રમાં જણાવાયું છે કે, 'સુપ્રીમ કોર્ટના આદેશોના અસરકારક અમલીકરણ માટે જિલ્લા હેઠળની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ અને કેમ્પસ વિસ્તારોમાં રહેલા શ્વાનોનો સર્વે તાત્કાલિક હાથ ધરવો અને જિલ્લાવાર સંક્ષિપ્ત અહેવાલ તૈયાર કરી જિલ્લા શિક્ષણાધિકારીની સહી-સિક્કા સાથે ત્રણ દિવસમાં મોકલવો. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડે પણ આ અહેવાલ માંગ્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ મેટર હોવાથી આ કામગીરીને પ્રાથમિકતા આપવા ખાસ સૂચના આપવામાં આવી છે'.

શૌચાલયોની ગણતરી, ભીડ ભેગી કરવી, ચૂંટણી કામગીરી...: કોગ્રેસ નેતા મનિષ દોશી

આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની વિવિધ કામગીરી લેવાઈ રહી છે. તેમણે જણાવ્યું કે, શૌચાલયોની ગણતરી, ભીડ ભેગી કરવી, ચૂંટણી કામગારી અને SIR જેવી કામગીરીઓના કારણે શિક્ષણ પર અસર પડી રહી છે. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં લગભગ 3 હજાર શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે, ત્યારે શિક્ષકોને પોતાના વિસ્તારમાં કેટલા શ્વાન ફરે છે તેની ગણતરી સોંપવી યોગ્ય નથી.

કોંગ્રેસે તાત્કાલિક આ પરિપત્ર રદ કરવાની કરી માંગ

ડૉ. દોશીના કહેવા મુજબ, 'આવી કામગીરીઓને કારણે શિક્ષકોને વર્ગખંડમાં પૂરતો સમય આપી શકાશે નહીં અને શિક્ષણની ગુણવત્તા પર અસર પડશે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું શિક્ષકો સિવાય આ કામગીરી કરવા કોઈ અન્ય તંત્ર નથી? કોંગ્રેસે તાત્કાલિક આ પરિપત્ર રદ કરી અન્ય વિભાગને જવાબદારી સોંપવાની માંગ કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now