Home Gujarat Chotila Hotel Sealed Prostitution Case Government Action Gujarat

સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર કૂટણખાનું કાંડ : બે 'પ્રખ્યાત' હોટલ એક વર્ષ માટે સીલ, તંત્રએ લીધો કબ્જો

સુરેન્દ્રનગરની હોટેલ પેલેસ
Published by: Chintan Chavda
Last Updated: Apr 19, 2026, 10:47 AM IST

સુરેન્દ્રનગર: યાત્રાધામ ચોટીલામાં નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં ધમધમતા અનૈતિક દેહવ્યાપારના નેટવર્ક પર તંત્રએ લાલ આંખ કરી છે. ચોટીલાના હાઈવે પર આવેલી જાણીતી બે હોટલો, સિટી પેલેસ અને બાલાજી હોટલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પર્દાફાશ થયા બાદ, નાયબ કલેક્ટરે કડક નિર્ણય સંભળાવ્યો છે. આ બંને હોટલોને આગામી એક વર્ષ માટે સીલ કરી તેનો કબ્જો સરકાર હસ્તક લેવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

ગુપ્ત માહિતી અને આકસ્મિક દરોડા

સમગ્ર ઘટનાની વિગતો મુજબ, ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણાને લાંબા સમયથી એવી બાતમી મળી રહી હતી કે હાઈવે પર આવેલી કેટલીક હોટલોમાં મુસાફરોને ઉતારા આપવાના બહાને અનૈતિક દેહવ્યાપારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ ચોક્કસ માહિતીના આધારે તંત્ર દ્વારા ઓચિંતી તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન નેશનલ હાઈવે-47 પર સ્થિત દેવાભાઈ ભીખાભાઈ આલની માલિકીની 'સિટી પેલેસ' હોટલ અને સંજયભાઈ અમુભાઈ ડાભીની માલિકીની 'બાલાજી' હોટલમાં કૂટણખાનું ચાલતું હોવાના સચોટ અને મજબૂત પુરાવાઓ હાથ લાગ્યા હતા. તપાસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે હોટલના રૂમોનો ઉપયોગ અનૈતિક વ્યવહાર માટે થતો હોવાનું સ્પષ્ટ જણાયું હતું.

પ્રતિ ગ્રાહક રૂ. 1000 અને માલિકોની સંડોવણી

સ્થળ પર કરવામાં આવેલી પૂછપરછ અને તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ હોટલોમાં આવતા ગ્રાહકો પાસેથી અનૈતિક પ્રવૃત્તિ માટે વ્યક્તિ દીઠ અંદાજે રૂ. 1000 વસૂલવામાં આવતા હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે હોટલના માલિકો અને મેનેજમેન્ટ માત્ર આ પ્રવૃત્તિથી વાકેફ જ નહોતા, પરંતુ તેમની મૌન સંમતિ અને પ્રોત્સાહન પણ આમાં સામેલ હતું.

જ્યારે આ મામલો નાયબ કલેક્ટરની કોર્ટમાં પહોંચ્યો, ત્યારે શરૂઆતમાં આનાકાની કર્યા બાદ અંતે બંને હોટલના માલિકોએ પોતપોતાની હોટલમાં કૂટણખાનું ચાલતું હોવાની લેખિત કબૂલાત કરી હતી. આ કબૂલાતના આધારે તંત્રનો પક્ષ વધુ મજબૂત બન્યો હતો અને કાયદેસરની કડક કાર્યવાહીનો માર્ગ મોકળો થયો હતો.


આ પણ વાંચો: સુરતમાં નોકરી માટે ધાર્મિક ઓળખ દૂર કરવાની શરત? : ઘટના બાદ કરાયો ઉગ્ર વિરોધ

અનૈતિક વેપાર અધિનિયમ હેઠળ એક્શન

તંત્રએ આ મામલે માત્ર દંડ કરીને સંતોષ માનવાને બદલે કાયદાના કડક અમલીકરણ પર ભાર મૂક્યો છે. આ કેસમાં 30 જાન્યુઆરી, 2026ના રોજ બંને હોટલ સંચાલકોને 'અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ, 1956' ની કલમ 18(1) હેઠળ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.

કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓ, પોલીસ પંચનામા અને માલિકોની કબૂલાતને ધ્યાને રાખીને, 30 માર્ચ, 2026ના રોજ આખરી હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ મુજબ, બંને મિલકતો (હોટલો) ને તાત્કાલિક અસરથી સીલ કરી, એક વર્ષના સમયગાળા માટે તેનો વહીવટ અને કબ્જો સરકાર હસ્તક લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારની કાર્યવાહીથી હાઈવે પર અનૈતિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now