ગાંધીનગરમાં ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી ભવ્યતા અને શ્રદ્ધાભાવ સાથે કરવામાં આવી. સેક્ટર 16માં આવેલા બ્રહ્મસમાજ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધાર્મિક ઉત્સાહ સાથે સામાજિક એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને મુખ્યમંત્રીની હાજરીએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું.
બ્રહ્મસમાજ ભવન ખાતે યોજાયો કાર્યક્રમ
ગાંધીનગરના સેક્ટર 16માં આવેલા બ્રહ્મસમાજ ભવનમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજ, ગાંધીનગર યુવા પરિવારે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શાસ્ત્રીય વિધિ મુજબ ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરવામાં આવી અને ધાર્મિક પ્રવચનોથી તેમના જીવન અને સિદ્ધાંતોને યાદ કરવામાં આવ્યા. ભગવાન પરશુરામ હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે. તેઓ શૌર્ય, ન્યાય અને ધર્મના પ્રતિક તરીકે પૂજાય છે. તેમની જન્મજયંતિ દર વર્ષે ભક્તિભાવથી ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો: પરશુરામ જયંતિ પર ધમાકો! : 'Mahavatar Parshuram' નું ભવ્ય પોસ્ટર અને ટીઝર રિલીઝ! જાણો ક્યારે આવશે ફિલ્મ
CMએ આપી હાજરી
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે ભગવાન પરશુરામને પુષ્પાંજલિ અર્પણ કરી અને આરતી ઉતારી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ભગવાન પરશુરામના આદર્શોને જીવનમાં અપનાવવા પર ભાર મૂક્યો. તેમણે સમાજમાં એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો.
સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન
પુષ્પાંજલિ અને આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નજીક આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં જઈ દર્શન કર્યા. આ દર્શન દરમિયાન પણ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.ધાર્મિક સ્થળોની મુલાકાત દ્વારા મુખ્યમંત્રીએ આધ્યાત્મિક પરંપરાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો.
ભવ્ય શોભાયાત્રા
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શોભાયાત્રાની શરૂઆત હતી. મુખ્યમંત્રીએ શોભાયાત્રાને લીલીઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો. યાત્રામાં ધાર્મિક ઝાંખીઓ, ભજન-કીર્તન અને પરંપરાગત વેશભૂષામાં જોડાયેલા લોકોનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. યુવાનો અને મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.





