Surat News: અફરાતફરી...અરાજકતા અને હાહાકાર...ભીડની ભાગદોડ અને લોકોની ચીસાચીસ...કંઈક આ પ્રકારની પરિસ્થિતિનો સામનો છેલ્લાં કેટલાંય કલાકોથી હજારો લોકો ગુજરાતના એક રેલવે સ્ટેશન પર કરી રહ્યાં છે. અહીં વાત થઈ રહી છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર થયેલી અફરાતફરીની. જેને કારણે એક સાથે હજારો લોકોની હાલત ખરાબ થઈ છે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર તાજેતરમાં સર્જાયેલી અરાજકતાએ તંત્રની તૈયારીઓ અને વ્યવસ્થાની ખામીઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હજારો મુસાફરો 16-16 કલાક સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા, પાણી માટે ઝપાઝપી થઈ અને સ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ સમગ્ર ઘટનાના પાછળ કેટલાંક મુખ્ય કારણો સામે આવ્યાં છે તેના વિશે જાણીએ વિગતવાર...

આ પણ વાંચોઃ સુરતના ઉધનામાં અફરાતફરી! રેલવે સ્ટેશન પર ક્યારે શું બન્યું? : ટાઇમ લાઇન સાથે જાણો સમગ્ર ઘટનાક્રમ વિશે
ઉધનામાં અરાજકતા પાછળના મુખ્ય કારણોઃ
ઉનાળુ વેકેશનની શરૂઆતઃ
ઉનાળાની રજાઓ શરૂ થતાં જ સુરતમાં વસતા લાખો પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળ્યા છે. શાળાઓમાં વેકેશન પડતા પરિવારો સાથે મુસાફરી વધતા, સ્ટેશન પર ક્ષમતા કરતા અનેકગણી ભીડ એકઠી થઈ ગઈ.
લગ્નસરાની સિઝનઃ
હાલમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં જતા મુસાફરોમાં ઘણા લોકો લગ્ન પ્રસંગોમાં હાજરી આપવા માટે ઉતાવળમાં છે, જેના કારણે ભીડ વધુ વધી છે.
ગેસ સિલિન્ડરની અછતઃ
શહેરમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે શ્રમિક પરિવારોની દૈનિક જીવનશૈલી પર અસર પડી છે. ખાવા-પીવાની સમસ્યાઓ વધતા લોકો વહેલી તકે વતન પહોંચવા આતુર બન્યા છે, જે ભીડ વધારવાનું એક મોટું કારણ બન્યું.
અપૂરતી ટ્રેન સુવિધાઃ
સૌથી મોટું કારણ રેલવે તંત્રનું મર્યાદિત આયોજન છે. લાખોની ભીડ સામે દર રવિવારે માત્ર બે અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવામાં આવે છે. આટલી ઓછી ટ્રેનોમાં હજારો મુસાફરો સમાઈ શકતા નથી, જેના કારણે લોકો જીવના જોખમે ટ્રેનમાં ચઢવા મથામણ કરે છે.
આ પણ વાંચોઃ હોળી પહેલા 'વતન વાટ પર માનવ મહેરામણ' : સુરતનાં ઉધના રેલવે સ્ટેશન પર ભીડનો વિસ્ફોટ, ટ્રેનો ‘હાઉસફુલ’
પાણી માટે લૂંટ અને લાઠીચાર્જ સુધી પહોંચી સ્થિતિઃ
ભીડ એટલી હદે વધી ગઈ કે પાણીની અછત વચ્ચે જ્યારે પાણીનું વિતરણ થયું, ત્યારે મુસાફરો એકબીજાના હાથમાંથી બોટલો લૂંટતા જોવા મળ્યા. સ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. મહિલાઓ અણીદાર બેરિકેડ કુદી ગઈ અને બાળકોની ચીસોથી વાતાવરણ ગૂંજતું બન્યું.
માનવતા ઝૂંઝવતી ઘટનાઓઃ
આ ભીડ વચ્ચે અનેક હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે બે મુસાફરો બેભાન થઈ ગયા. એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ લઈને કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો-જે સમગ્ર ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
40 ડિગ્રી ગરમીમાં હાલાકીઃ
સુરતમાં 40 ડિગ્રી સુધી પહોંચેલી ગરમી વચ્ચે મુસાફરો 14થી 16 કલાક સુધી ખુલ્લામાં ઊભા રહ્યા. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે કોઈ પીવાના પાણી કે શૌચાલયની સુવિધા ન હોવાથી તેમની સ્થિતિ વધુ નાજુક બની ગઈ.
અંધારામાં રાહ: સ્ટ્રીટ લાઈટનો અભાવ
જે વિસ્તારમાં મુસાફરોની લાંબી લાઈનો લાગી હતી, ત્યાં સ્ટ્રીટ લાઈટની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. મહિલાઓ અને બાળકોને અંધારામાં કલાકો સુધી બેસી રહેવું પડ્યું, જે સુરક્ષાના દ્રષ્ટિકોણથી ગંભીર મુદ્દો છે.
માહિતીનો અભાવ: સ્પીકર પણ નહોતા
આટલી મોટી સંખ્યામાં મુસાફરો હોવા છતાં એનાઉન્સમેન્ટ માટે પૂરતા લાઉડસ્પીકર ઉપલબ્ધ નહોતા. મુસાફરોને ટ્રેનના સમય અને પ્લેટફોર્મ વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નહોતી, જેના કારણે વધુ અરાજકતા ફેલાઈ.
રિફંડ વગર પરત ફરતા મુસાફરો
ટ્રેનમાં જગ્યા ન મળતા અનેક મુસાફરોને પરત ફરવું પડ્યું. પરંતુ રેલવે તંત્ર દ્વારા ટિકિટના પૈસા પરત ન આપવાના કારણે મુસાફરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો.
પોલીસ અને તંત્ર લાચાર
ભીડ એટલી હદે વધી ગઈ કે પોલીસ પણ કંટ્રોલ કરવામાં મુશ્કેલી અનુભવી રહી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ભીડને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રેનો દોડાવવામાં આવી છે, છતાં સ્થિતિ કાબૂમાં આવી નહોતી.
DySP દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી કે તેઓ હાલ સ્ટેશન પર ન આવે અને વધુ ટ્રેન અંગેની જાહેરાતની રાહ જુએ.
વર્ષો જૂની સમસ્યા, છતાં ઉકેલ નહીં
ઉધના સ્ટેશન પર આવી પરિસ્થિતિ નવી નથી. દર વર્ષે હોળી, દિવાળી અને ઉનાળામાં આ જ સ્થિતિ સર્જાય છે. સ્ટેશન બહાર માત્ર 1500 લોકો માટે શેડ બનાવવામાં આવ્યો છે, જ્યારે મુસાફરોની સંખ્યા હજારોમાં હોય છે. પરિણામે લોકો રોડ પર બેસવા મજબૂર બને છે.
આ ઘટના માત્ર એક દિવસની અરાજકતા નથી, પરંતુ સિસ્ટમની મોટી ખામી દર્શાવે છે:
તંત્રની તૈયારીનો અભાવ
મુસાફરોની સુરક્ષા પર પ્રશ્ન
મૂળભૂત સુવિધાઓની ખામી
વર્ષોથી ઉકેલ ન આવતો પ્રશ્ન
ઉધના રેલવે સ્ટેશન પર સર્જાયેલી આ અરાજકતા દર્શાવે છે કે વધતી જનસંખ્યા અને મુસાફરીની માંગ સામે તંત્ર હજુ પણ પૂરતી તૈયારી કરી શક્યું નથી. જો તાત્કાલિક અને લાંબા ગાળાના ઉકેલો ન અપનાવવામાં આવે, તો આવી પરિસ્થિતિ ફરી સર્જાઈ શકે છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે હવે કડક આયોજન જરૂરી બની ગયું છે.




