ચીન કેટલાક વર્ષોથી તેની વસ્તીની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ચીનની વૃદ્ધ વસ્તી અને ઘટી રહેલા જન્મ દરને સુધારવા માટે અનેક પ્રયાસો કરે છે. હવે એવા સમાચાર આવ્યા છે કે ચીનની વસ્તી ત્રીજા વર્ષે પણ ઘટી છે. ચીનની રાષ્ટ્રીય એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે દેશમાં જન્મદરમાં થોડો વધારો થયો છે, પરંતુ વસ્તી પર તેની વધુ અસર થઈ નથી. ચીનની અર્થવ્યવસ્થા માટે આ ખતરાની ઘંટી બની શકે છે. ચીનના નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોએ શુક્રવારે નવા આંકડા રજૂ કર્યા. આ આંકડા અનુસાર, ગત વર્ષે ચીનની વસ્તી 1.39 મિલિયનથી ઘટીને 1.408 અબજ થઈ છે. દેશમાં વર્ષ 2024માં લગભગ 9.54 મિલિયન બાળકોનો જન્મ થયો, જે ગત વર્ષની સરખામણીએ 5,20,000 વધુ છે. નિષ્ણાતોનું માનવુ છે કે કોરોનાના ત્રણ વર્ષ દરમિયાન લોકો બાળકોને જન્મ આપવાનું ટાળી રહ્યાં હતા અને ઘણા લોકોએ 2024માં ફેમિલી પ્લાન કર્યું હતું આ વૃદ્ધિ જનસંખ્યાનું મુખ્ય કારણ છે. જો કે, તેની વસ્તીને અસર થઈ નથી.
1960થી ઘટી રહ્યો છે જન્મદર
સતત ત્રીજા વર્ષે વસ્તીમાં આ ઘટાડો દાયકાઓથી ચીન સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને દર્શાવે છે. દેશમાં 1960થી નવજાત શિશુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર, ચીનની વસ્તી 2035 સુધીમાં ઘટીને 1.36 અબજ થઈ જશે, જે 2012 પછી સૌથી ઓછી છે.
આર્થિક ઉન્નતિ સુધી પહોંચશે ક્ષતિ
હાલમાં ચીન યંગસ્ટર્સને વધુ બાળકો પેદા કરવા માટે સમજાવે છે. અને આ માટે ઘણા પ્રોત્સાહનો પણ આપે છે. અધિકારીઓએ એક કરતાં વધુ બાળકો ધરાવતા પરિવારોને આવાસ, આરોગ્ય સંભાળ અને રોજગાર સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપે છે. ચીનના વસ્તી વિષયક પડકારો આખરે દેશની આર્થિક પ્રગતિને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. કર્મચારીઓની સંખ્યા ઘટવાની શક્યતાઓ વધી રહી છે. આ સિવાય વધતી જતી વૃદ્ધ વસ્તી માટે પેન્શન અને મેડિકલ ખર્ચ સરકાર પર વધુ દબાણ લાવશે.





