Home Gujarat Child Marriages Stopped In Latiya Village Of Deesa

ડીસાના લટીયા ગામે બાળલગ્ન અટકાવાયા : કન્યા માત્ર 16 વર્ષની અને વર 19 વર્ષનો ખુલતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ડીસાના લટીયા ગામે બાળલગ્ન અટકાવાયા
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 10:31 AM IST

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લટિયા ગામે થનાર એક બાળલગ્નને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની સમયસર કાર્યવાહીથી અટકાવવામાં આવ્યું છે. લગ્નમાં કન્યા માત્ર 16 વર્ષની અને વર 19 વર્ષનો હોવાનું જાણવા મળતાં બાળલગ્નનો મામલો બહાર આવ્યો હતો. બાળલગ્ન અંગેની જાણ થતાં જ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.

લગ્ન ગેરકાયદેસર ઠરતા તેને રોકવામાં આવ્યા હતા

તપાસ દરમિયાન કન્યાનું જન્મ પ્રમાણપત્ર ચકાસવામાં આવ્યું હતું, જેમાં તેની જન્મ તારીખ 05-12-2008 હોવાનું સામે આવ્યું હતું. આ મુજબ લગ્ન સમયે કન્યાની ઉંમર માત્ર 16 વર્ષ, 1 મહિનો અને 16 દિવસ હોવાનું સ્પષ્ટ થયું હતું. કાયદા મુજબ નાબાલિક હોવાને કારણે આ લગ્ન ગેરકાયદેસર ઠરતા તેને રોકવામાં આવ્યા હતા.

પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

બાળલગ્ન અટકાવવા માટે બાળલગ્ન પ્રતિબંધ અધિકારી નિતેશકુમાર રમેશભાઈ પટેલ દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે કન્યાના માતા-પિતા તેમજ વરના માતા-પિતા સામે બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમયસર લેવામાં આવેલી કાર્યવાહીથી એક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now