Plane Crash: છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે એટલે કે, આજે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક ખાનગી ચાર્ટર્ડ વિમાન આરા પહાડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાન પહાડની ખૂબ જ નજીકથી ઉડી રહ્યું હતું ત્યારે અચાનક પહાડની પથરાળ ચોટીઓ સાથે ટકરાઈ ગયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે વિમાનના ટુકડા થઈ ગયા હતા અને પહાડી વિસ્તારમાં કાટમાળ વિખેરાઈ ગયો હતો. આ અકસ્માતમાં વિમાનના પાયલોટ અને કો-પાયલોટનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. વિમાનમાં અન્ય કોઈ મુસાફરો હતા કે નહીં તેની તપાસ હાલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
ઘટનાસ્થળે પોલીસ અને પ્રશાસનનો કાફલો દોડ્યો
દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને SSP લાલ ઉમેદ સિંહ તાત્કાલિક કાફલા સાથે આરા પહાડ પર પહોંચી ગયા હતા. પહાડી અને દુર્ગમ રસ્તો હોવાને કારણે બચાવ કામગીરીમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ પ્રશાસને યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિમાનનો ક્ષત-વિક્ષત કાટમાળ અને ભયાનક દ્રશ્યો જોઈ શકાય છે.
હૈદરાબાદ-હુબલી ફ્લાઇટમાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
બીજી તરફ, વિમાન ઉડ્ડયન ક્ષેત્રે વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. તેલંગાણાના હૈદરાબાદથી કર્ણાટકના હુબલી જતી રિજનલ એરલાઇન્સ 'Fly91' ની ફ્લાઇટ રવિવારે ભારે મુસીબતમાં ફસાઈ હતી. ખરાબ હવામાનના કારણે વિમાન હુબલી એરપોર્ટ પર લેન્ડ થઈ શક્યું ન હતું અને લગભગ સાડા ત્રણ કલાક સુધી હવામાં જ ગોથા ખાતું રહ્યું હતું. હવામાં વિમાન સતત ફસાયેલું રહેતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક મુસાફરો ડરના માર્યા રડવા લાગ્યા હતા અને પ્રાર્થના કરવા લાગ્યા હતા. અંતે વિમાનને સુરક્ષિત રીતે બેંગલુરુ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: 3 કલાક સુધી હવામાં બેકાબુ રહી Fly91 ફ્લાઈટ : પ્લેનમાં રડવાનો અને ચિચકારીઓનો અવાજ





