ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની અત્યાર સુધીની સૌથી વિશાળ ડિમોલીશન કામગીરી શરૂ કરવામાં આવી છે. 28 એપ્રિલની રાત્રે AMCની ટીમે પોલીસ બંદોબસ્ત અને 50 જેટલી JCB મશીનો સાથે સ્થળ પર પહોંચી, અને 29 એપ્રિલની સવારે 7 વાગ્યાથી આ કામગીરી શરૂ થઈ હતી, જે દિવસભર ચાલતી રહી.
AMCની આ કામગીરી આજે 30 એપ્રિલે ફરી શરૂ થઈ છે અને આવતીકાલે 1 મે સુધી સતત ચાલશે.
હાઇકોર્ટમાં મામલો, સ્ટે નકારાયો
ડિમોલિશન સામે હાઇકોર્ટમાં સ્ટે માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ 29 એપ્રિલના રોજ 11:15થી 12:45 સુધી ચાલેલી સુનાવણી બાદ હાઇકોર્ટે સ્ટે આપવા ઈનકાર કર્યો. હવે આ કેસની વધુ સુનાવણી 19 જૂનના રોજ હાથ ધરાશે.
ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી
ડિમોલિશન કાર્યવાહી હેઠળ પહેલા લલ્લા બિહારીના ફાર્મહાઉસ પાસે આવેલા અંદાજે 150 ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નાનાં ચંડોળા તળાવ વિસ્તારમાં રહેલા આશરે 2000 બાંગ્લાદેશી નાગરિકોના કાચા-પાકા ઝૂંપડા હટાવવામાં આવ્યા.
AMCના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ ચોરસ મીટર જેટલી તળાવની જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
વિશાળ પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કાર્યવાહી દરમિયાન કોઈ અશાંતિ ન ફેલાય તે માટે સ્થાનિક પ્રશાસન સતત ચુસ્ત છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





