Home Gujarat Surat Chaitar Vasava Calls Uccan Insult To Minority Community

UCC મુદ્દે ચૈતર વસાવા આક્રમક : "સરકાર એક લાકડીએ બધું ચલાવવા માંગે છે, આ લઘુમતિઓનું અપમાન છે"

UCC મુદ્દે ચૈતર વસાવા આક્રમક
Play Video
Published by: Viral Patel
Last Updated: Mar 24, 2026, 01:21 PM IST

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટીના ડેડિઆપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ સરકારના આ પગલા સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર આ કાયદા દ્વારા લઘુમતિ અને આદિવાસી સમુદાયની વર્ષો જૂની પરંપરાઓ અને અધિકારો પર તરાપ મારી રહી છે.

"એક લાકડીએ બધું ન હાંકી શકાય"

ચૈતર વસાવાએ સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "સરકાર અત્યારે એક લાકડીએ બધું ચલાવવા માંગે છે." તેમણે તર્ક આપ્યો હતો કે ભારત એક વિવિધતા ધરાવતો દેશ છે, જ્યાં વર્ષોથી અલગ-અલગ ધર્મ, જાતિ અને જ્ઞાતિ માટે અલગ કાયદાઓ અને સામાજિક વ્યવસ્થાઓ અસ્તિત્વમાં છે. એક જ કાયદો બધા પર થોપી દેવાથી દેશની સામાજિક સંરચનાને નુકસાન થઈ શકે છે.

વસાવાએ ઉઠાવેલા મુખ્ય મુદ્દાઓ

તેમણે સવાલ કર્યો કે, "શું એકસમાન કાયદાથી બધા ખરેખર સમાનતાની ધારામાં આવી જશે?" તેમના મતે આર્થિક અને સામાજિક અસમાનતા દૂર કરવાને બદલે સરકાર માત્ર કાયદાકીય ફેરફાર કરીને સમાનતાનો દેખાડો કરી રહી છે. વર્ષોથી વિવિધ સમુદાયો પોતાની રૂઢિગત માન્યતાઓ અને ધાર્મિક કાયદાઓ મુજબ જીવે છે. આ કાયદાઓ તેમની ઓળખનો ભાગ છે. ચૈતર વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ કાયદો લાવવા પાછળ સરકારનો ઈરાદો લઘુમતિ અને વંચિત સમુદાયોને અપમાનિત કરવાનો અને તેમની સ્વાયત્તતા છીનવી લેવાનો છે.

આદિવાસી અધિકારો પર જોખમ

ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, આદિવાસી સમાજને બંધારણ દ્વારા વિશેષ સુરક્ષા અને અધિકારો મળેલા છે. જો UCC લાગુ કરવામાં આવે, તો આદિવાસીઓની લગ્ન પ્રથા, વારસા હક્ક અને જમીન સંબંધિત પરંપરાગત વ્યવસ્થાઓ ખોરવાઈ જવાની ભીતિ છે. ચૈતર વસાવાનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રાજ્ય અને દેશ સ્તરે UCC લાગુ કરવા માટેની પ્રક્રિયાઓ અને ચર્ચાઓ વેગ પકડી રહી છે. વિપક્ષી નેતાઓ આને આગામી ચૂંટણીઓ પહેલાનું ધ્રુવીકરણનું સાધન ગણાવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now