CBSE portal Cyber Attack: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના ધોરણ 12 ના પરિણામ બાદ ચાલી રહેલી પુનઃમૂલ્યાંકન (Re-evaluation) પ્રક્રિયા ફરી એકવાર વિવાદમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBSE ના ઓનલાઈન પુનઃમૂલ્યાંકન પોર્ટલની પેમેન્ટ સિસ્ટમ પર સાયબર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે સરકારી સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આશરે 50 વિદ્યાર્થીઓએ પોર્ટલની સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશ મેળવીને ફીની રકમ સાથે છેડછાડ કરી હતી. આ ઘટના બાદ બોર્ડે સુરક્ષાના કારણોસર પોર્ટલને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધું હતું.
ગંભીર બાબત એ છે કે, આ સાયબર હુમલાને કારણે પોર્ટલ પર ચૂકવવાપાત્ર ફીમાં મોટી વિસંગતતા જોવા મળી હતી. જ્યાં વિદ્યાર્થીઓએ નિર્ધારિત ફી ભરવાની હતી, ત્યાં સિસ્ટમમાં ગરબડને કારણે ક્યારેક માત્ર 1 રૂપિયો તો ક્યારેક 67,000 થી 68,000 રૂપિયા જેટલી તોતિંગ રકમ જોવા મળતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૃત્ય કદાચ મજાક કે પછી દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. હાલમાં CBSE આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે.
શું હતો સમગ્ર મામલો અને કેવી રીતે થઈ ગરબડ?
CBSE ના પુનઃમૂલ્યાંકન પોર્ટલ સાથે જોડાયેલ HDFC પેમેન્ટ ગેટવેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેનો લાભ લઈને આશરે 50 જેટલા વિદ્યાર્થીઓએ સિસ્ટમ સાથે ચેડાં કર્યા હતા. પોર્ટલ લાઇવ થતાની સાથે જ તેમાં ફીના આંકડાઓમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. બોર્ડ દ્વારા ફી રૂ. 700 થી ઘટાડીને રૂ. 100 કરવામાં આવી હતી, પરંતુ સિસ્ટમમાં થયેલી છેડછાડને કારણે વિદ્યાર્થીઓને સ્ક્રીન પર એકદમ અલગ આંકડાઓ દેખાતા હતા. આ ઘટના બાદ CBSE એ તાત્કાલિક પગલાં લેતા પોર્ટલને સુરક્ષિત બનાવવાની કવાયત શરૂ કરી છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં આવ્યું ભયાનક વાવાઝોડું: ઉડી ધૂળની ડમરીઓ, દિવસે વાહનોની લાઈટો ચાલુ કરવાની આવી નોબત
IIT ના નિષ્ણાતો સંભાળશે સુરક્ષાની જવાબદારી
આ સાયબર હુમલા બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોર્ટલને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે વિશેષ સમિતિની રચના કરી છે. હાલમાં IIT મદ્રાસ અને IIT કાનપુરના નિષ્ણાતો ઉપરાંત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ટીમો પોર્ટલના કોડ અને પેમેન્ટ ગેટવેનું ઝીણવટભર્યું પરીક્ષણ કરી રહી છે. આ ઉપરાંત, હવે CBSE ની પેમેન્ટ સિસ્ટમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), કેનેરા બેંક, ઇન્ડિયન બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર જેવી જાહેર ક્ષેત્રની બેંકો સાથે સિંક કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ભૂલો ન થાય. વધુ સુરક્ષા માટે આ સમગ્ર સિસ્ટમને હવે 'એમેઝોન વેબ સર્વિસીસ' (AWS) પર સ્થળાંતરિત કરવામાં આવી છે.
1 જૂનથી ફરી ખુલશે પોર્ટલ: વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન
CBSE એ સ્પષ્ટતા કરી છે કે પારદર્શક અને ખામીમુક્ત પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે પુનઃમૂલ્યાંકન પોર્ટલ હવે 1 જૂન, 2026 થી ફરી કાર્યરત થશે. બોર્ડે વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા માટે ખાસ હેલ્પલાઇન નંબર 1800 11 8004 અને ઇમેઇલ [email protected] પણ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવતી સૂચનાઓનું જ પાલન કરે.





