Home Business Cbi Questions Jai Anmol Ambani Bank Fraud Case Reliance Housing Finance

અનિલ અંબાણી પરિવારની મુશ્કેલીમાં વધારો : 228 કરોડના બેંક ફ્રોડ કેસમાં CBIએ જય અનમોલ અંબાણીની કરી પૂછપરછ

અનિલ અંબાણી પરિવારની મુશ્કેલીમાં વધારો
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 08:00 AM IST

કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ બેંક છેતરપિંડીના એક ગંભીર મામલામાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિરુદ્ધ તપાસ તેજ કરી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે થયેલી 228 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં એજન્સીએ જય અનમોલની ઊંડી પૂછપરછ હાથ ધરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે તેમને શનિવારે પણ પૂછપરછ માટે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ કેસમાં રિલાયન્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના પૂર્વ CEO રવીન્દ્ર સુધાકર સહિત અન્ય પદાધિકારીઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર કૌભાંડ અને કેવી રીતે થઈ કાર્યવાહી?

CBIએ આ કાર્યવાહી યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (તત્કાલીન આંધ્રા બેંક) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કરી છે. આરોપ છે કે રિલાયન્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા બેંક પાસેથી લેવામાં આવેલી લોનની રકમની ભરપાઈ કરવામાં આવી નહોતી. જેના કારણે વર્ષ 2019માં આ લોન ખાતું NPAમાં ફેરવાઈ ગયું હતું. આ મામલે ગત 9 ડિસેમ્બર 2025ના રોજ એજન્સીએ જય અનમોલ અને અન્ય વિરુદ્ધ FIR નોંધી હતી જેના બાદ તેમના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

કરોડોનું દેવું અને બેંકોનું જોખમ

બેંકિંગ ક્ષેત્રના અહેવાલો મુજબ 10 ઓક્ટોબર 2024ના રોજ આ ખાતાને સત્તાવાર રીતે ફ્રોડ એકાઉન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તપાસની આંચ માત્ર એક બેંક પૂરતી મર્યાદિત નથી કારણ કે રિલાયન્સ હાઉસિંગ ફાઈનાન્સ પર અંદાજે 18 બેંકોના કન્સોર્ટિયમ તેમજ વિવિધ નાણાકીય સંસ્થાઓનું કુલ 5,572.3 કરોડ રૂપિયાનું લેણું બાકી છે. આ તપાસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ અન્ય બેંકોના નાણાં અને વ્યવહારોની વિગતો પણ બહાર આવે તેવી શક્યતા છે.

અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ અને કાનૂની સંકટ

એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સામેલ અનિલ અંબાણી અત્યારે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. અગાઉ તેમણે કોર્ટમાં પણ જણાવ્યું હતું કે તેમની નેટવર્થ શૂન્ય થઈ ચૂકી છે. હવે તેમના પુત્ર જય અનમોલ અંબાણી સીબીઆઈની તપાસના ઘેરામાં આવતા અંબાણી પરિવાર માટે કાનૂની મુશ્કેલીઓ વધી રહી છે. કંપની તરફથી અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now